વડોદરામાં ૧૫ લાખની કિંમતની ભારતીય બનાવટની વિદેશી દારૂની ૧૪,૧૭૨થી વધુ બોટલો મળી

વડોદરા, ગુજરાતમાં દારૂની હેરાફેરી કરવાની નવી પદ્ધતિ જોઈને પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ આશ્ર્ચર્યચક્તિ થઈ ગઈ હતી. દારૂની હેરાફેરીનો આ મામલો વડોદરાના નંદેસરી રોડનો છે. જ્યાં મહેશ ગોહિલ નામના વ્યક્તિએ દારૂની હેરાફેરી માટે ઘરની અંદર ભોંયરું બનાવ્યું હતું. આ ભોંયરાના દરવાજા ખોલવા માટે તેણે હાઇડ્રોલિક પંપ લગાવ્યો હતો. જ્યારે પોલીસે આ ભોંયરામાંનો દરવાજો ખોલ્યો તો તે ચોંકી ગઈ.

પોલીસે આ કેસમાં દારૂની હેરાફેરી કરનાર મહેશ ગોહિલની ધરપકડ કરી છે. પરંતુ તેના બે સાગરિતો હજુ ફરાર છે. ગોહિલ સામે અગાઉ ૮ કેસ નોંધાયા હતા. હવે પોલીસને તેની ધરપકડ કરવામાં સફળતા મળી છે. આ કેસની માહિતી આપતાં પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી.રાત્રાએ જણાવ્યું હતું કે દારૂના તસ્કરે ભોંયરું એટલું સરસ બનાવ્યું હતું કે કોઈને તેની હાજરી પર શંકા ન થાય. ટેક્નોલોજીનો અસરકારક ઉપયોગ કરવા બદલ તેમણે દારૂના દાણચોરની પ્રશંસા કરી હતી.

તેમણે જણાવ્યું કે આ ભોંયરામાં ફ્લોર ટાઇલ્સ અને મેટલનો દરવાજો હાઇડ્રોલિક પંપ સાથે જોડાયેલો હતો. પંપ પર લિવર ઓપરેટ કરીને બેઝમેન્ટનો દરવાજો ખોલવામાં આવ્યો હતો. રાત્રાએ કહ્યું કે આ હાઇડ્રોલિક પંપ ટેકનોલોજી તેમના માટે પ્રથમ વખત છે. પોલીસ હવે તપાસ કરી રહી છે કે ગોહિલે ભોંયરું કેવી રીતે બનાવ્યું અને તે કેટલા સમયથી દારૂ છુપાવવા માટે તેનો ઉપયોગ કરતો હતો.