સુરત: મિત્રને આપેલા 10 હજાર રુપિયા પરત માંગતા હત્યા, ચાર આરોપીની ધરપકડ

સુરત: શહેરના ડિંડોલીમાં મિત્ર પાસે આપેલા 10 હજાર રુપિયા પરત માંગતા હત્યાની ઘટના સામે આવી છે. શહેરના ડિંડોલીમા રહેતા 22 વર્ષીય દેવદાસની તેના જ મિત્રોએ ભેગા મળી હત્યા કરી નાખતા ચકચાર મચી છે. મૃતક દેવીદાસ પાટીલે તેના મિત્રોને થોડા સમય પહેલા 10 હજાર રુપિયા આપ્યા હતા. દેવીદાસ વારંવાર રુપિયાની માંગણી કરતો હતો. દેવીદાસ વારંવાર રુપિયા માંગવા છતા પૈસા ન આપતા મિત્રો વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. પૈસાની લેતીદેતીમાં 4 આરોપીઓએ ભેગા મળી તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા દેવીદાસનું મોત નિપજ્યું હતું. આ ઘટના મામલે પોલીસે પ્રાથમિક તપાસ કરી ચાર આરોપીની ધરપકડ કરી હતી. ચાર આરોપી આશુતોષ, ચેતન, અવિનાશની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસમાં મૃતક દેવીદાસ પણ પ્રોહિબિશન અને મારામારીની ઘટનામાં સંડોવાયેલો હતો તેમ સામે આવ્યું છે.

પોલીસે ચાર આરોપીઓ આશુતોષ, ચેતન, અવિનાશ અને બાડા પાટીલની ધરપકડ કરી લીધી છે. જે સમયે હત્યા કરવામાં આવી હતી ત્યારે હજુ અન્ય આરોપીઓ પણ આ ઘટનામાં સામેલ હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, અત્યારે પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ કરતા ચાર આરોપીઓની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે.

ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું કે, ઘટના થતા જ તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. દેવીદાસ પાટીલ નામના યુવકની પૈસાની લેતી દેતીમાં હત્યા કરવામાં આવી છે. મૃતકે આરોપીઓને દોઢેક વર્ષ પહેલા દસ હજાર રૂપિયા આપ્યા હતા. જે પરત માંગતા છેલ્લા ઘણા સમયથી ઝઘડા થયા હતા. ગઈકાલે દેવીદાસની હત્યા કરી દેવાની ઘટના સામે આવતા ચાર જેટલા આરોપીઓની હાલ ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનામાં અન્ય કેટલા આરોપીઓ છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. મહત્વની બાબત છે કે જે મૃતક દેવીદાસ છે તે પણ ભૂતકાળમાં પ્રોહીબિશન અને મારામારીની ઘટનામાં સંડોવાયેલો હતો અને આરોપીઓ પણ પ્રોહીબિશન અને મારામારીની ઘટનામાં સંડોવાયેલા છે.