કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતાવાળી મંત્રી સમિતિએ તાજેતરમાં હવે ડુંગળીના નિકાસને મંજૂરી

કેન્દ્ર સરકારે ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. હવે સરકારે ડુંગળીના નિકાસપર લગાવેલા પ્રતિબંધને હટાવવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતાવાળી મંત્રી સમિતિએ તાજેતરમાં હવે ડુંગળીના નિકાસને મંજૂરી આપી છે. ડુંગળીની વધતી જતી કિંમતો પર લગામ કસવા માટે સરકારે તેના નિર્યાત પર પ્રતિબંધ લગાવ્યો હતો. જોકે, સરકારના આ નિર્ણયને ગુજરાતમાં વિપક્ષે વખોડ્યો છે. ડુંગળીની નિકાસને આપેલી મંજુરીને લઇને કેન્દ્ર સરકાર પર વિપક્ષે સવાલ કર્યાં છે. માત્ર 3 લાખ મેટ્રીક ટન ડુંગળીને છુટ આપવાના સરકારના નિર્ણયનો વિપક્ષે વિરોધ કર્યો છે. 

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શકિતસિંહ ગોહિલે આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, સરકારની ડુંગળી પકવતા ખેડૂતો માટેની નિકાસની જાહેરાત ગેરમાર્ગે દોરનારી અને લોલીપોપ સમાન છે. દેશમાં 230 લાખ ટન ડુંગળીનું ઉત્પાદન થાય છે, ત્યારે માત્ર ૩ લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસની છૂટ આપવાથી ખેડૂતોને કોઈ જ ફાયદો થવાનો નથી. માત્ર ૩ લાખ મેટ્રિક ટન ડુંગળી નિકાસની છૂટ આપીને આવનાર ચૂંટણી સમયે જાણે ખેડૂતોનું કલ્યાણ કરી દીધું હોય તેવી વાહવાહી કરે છે તે શરમજનક છે.

વિપક્ષે કહ્યું કે, ઓગસ્ટ-૨૦૨૩માં જ ૪૦% એક્સપોર્ટ ડ્યુટી નાંખી હતી અને ડિસેમ્બર-૨૦૨૩થી સંપૂર્ણ નિકાસબંધી કરી હતી, જેથી ડુંગળી પકવતો ખેડૂત પાયમાલ થયો છે. ડુંગળી પકવતા ખેડૂતોએ ઓગસ્ટ-૨૦૨૩થી અત્યાર સુધી ડુંગળી વેચી દીધી છે તેને નુકસાની વળતર સરકાર તાત્કાલિક ચૂકવે. ડુંગળીની નિકાસ પર ૪૦% એક્સપોર્ટ ડ્યુટી તરીકે જે રકમ સરકારે વસુલી છે તે પૂરેપૂરી રકમ સરકાર ખેડૂતોને ચૂકવે. ઘોડા નીકળી ગયા પછી તબેલાને તાળા મારવા દોડે તેમ કરોડો રૂપિયાનું નુકસાન ખેડૂતોએ વેઠ્યા બાદ હવે માત્ર ૩ લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસની છૂટ આપીને સરકાર જે વાહવાહી કરવા નીકળી છે તે ખેડૂતોની ક્રૂર મશ્કરી સમાન છે. ભાજપ સરકારે ડુંગળીની નિકાસબંધી હટાવી નથી, પરંતુ ચૂંટણીના સમયે ખેડૂતોને ગેરમાર્ગે દોરીને માત્ર લોલીપોપ આપવાનો જ પ્રયત્ન કર્યો છે. 

ગુજરાતમાં ડુંગળીનો પાક સામાન્ય રીતે શિયાળામાં લેવાય છે. રાજ્યમાં મોટાપાયે ડુંગળીનું વાવેતર કરવામાં આવે છે. ખાસ કરીને ભાવનગર, અમરેલી, જામનગર અને રાજકોટમાં ડુંગળીનું વાવેતર વધારે થાય છે. ગુજરાતનો ભાવનગર જિલ્લો એવો છે કે જ્યાં ડુંગળીનું ભારતભરમાં સૌથી વધુ ઉત્પાદન થાય છે. દેશના રાજ્યોમાં પ્રતિવર્ષ સરેરાશ 13,15,200 હેક્ટર વિસ્તારમાં ડુંગળીનો પાક લેવાય છે જેમાં ગુજરાતનો હિસ્સો માત્ર ચાર ટકા છે.વ્યાપારીઓની નફાખોરી અને સંગ્રહાખોરીના કારણે ડુંગળી, બટાટા અને ટામેટાંના ભાવ ઉંચકાય છે. ભારતના રાજ્યો પૈકી મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ડુંગળીનો વધારે પાક લેવાય છે. એ ઉપરાંત ગુજરાત, બિહાર, આંધ્રપ્રદેશ, હરિયાણા, પશ્ચિમબંગાળ અને ઉત્તરપ્રદેશમાં ડુંગળીનું વાવેતર થાય છે. ડુંગળીની ઉત્પાદકતાની બાબતમાં ગુજરાત અને મધ્યપ્રદેશ વચ્ચે સ્પર્ધા છે.

ડુંગળીના ઉત્પાદનમાં ગત વર્ષે આવેલા ઘટાડા બાદ ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા હતા. જેને કારણે સરકારે ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. ડિસેમ્બર મહિનામાં ડુંગળીના ભાવ પ્રતિ કિલો 100 રૂપિયા પર પહોંચી ગયા હતા. હાલ સરકાર તરફથી મૂકાયેલા પ્રતિબંધ બાદ ડુંગળીના ભાવ કાબૂમાં આવ્યા હતા. 

ડુંગળીના નિકાસ પર પ્રતિબંધની સાથે સરકારે લોકોને સસ્તી ડુંગળી આપવા માટે પણ કવાયત શરૂ કરી હતી. બફર સ્ટોકના માધ્યમથી સરકારે 25 રૂપિયા કિલોના હિસાબે ડુંગળી વેચવાની જાહેરાત કરી હતી.