ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલીચોથી ટેસ્ટ મેચમાં જસપ્રીત બુમરાહ જોવા મળશે નહીં

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ૫ મેચની ટેસ્ટ સીરિઝની ચોથી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ રમતો જોવા મળશે નહીં. ચોથી ટેસ્ટ મેચ ૨૩ ફેબ્રુઆરીથી રાંચીના JSCA ઈન્ટરનેશનલ સ્ટેડિયમ કોમ્પ્લેક્સમાં રમાનાર છે. આ પછી બુમરાહ સીરિઝની છેલ્લી ટેસ્ટ મેચમાં રમશે કે નહીં તેનો નિર્ણય ચોથી ટેસ્ટ મેચના પરિણામ પર નિર્ભર રહેશે.

ભારતીય ક્રિકેટ ટીમ આવતીકાલે રાજકોટથી રાંચી જવા રવાના થશે. બુમરાહ આ દરમિયાન ટીમ સાથે રાંચી નહીં જાય. મળેલા અહેવાલો મુજબ બુમરાહ રાજકોટથી અમદાવાદ જશે. બુમરાહ સિવાય અન્ય કોઈ ખેલાડીને આગામી ટેસ્ટ મેચ માટે આરામ આપવામાં આવ્યો હોવાના સમાચાર મળ્યા નથી. બુમરાહને વર્કલોડ મેનેજમેન્ટ હેઠળ આરામ આપવામાં આવી રહ્યો છે. બુમરાહે આ સીરિઝમાં અત્યાર સુધી સૌથી વધુ વિકેટ લીધી છે. બુમરાહે ૩ મેચમાં કુલ ૮૦.૫ ઓવર ફેંકી છે અને આ દરમિયાન તેણે કુલ ૧૭ વિકેટ ઝડપી છે. બુમરાહને વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં મેન ઓફ ધ મેચ પણ જાહેર કરવામાં આવ્યો હતો.

મોહમ્મદ સિરાજને વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાંથી આરામ આપવામાં આવ્યો હતો અને ત્યાર બાદ તેણે રાજકોટ ટેસ્ટમાં વાપસી કરી હતી. BCCI બુમરાહના સ્થાને કોઈને ટીમમાં સામેલ કરશે કે વર્તમાન ટીમમાંથી કોઈ ખેલાડી તેની જગ્યાએ લેશે તે અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવી શકે છે. મુકેશ કુમારને ત્રીજી ટેસ્ટ મેચ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો, જેથી તે રણજી ટ્રોફી મેચમાં રમી શકે, એવું માનવામાં આવે છે કે તે રાંચી ટેસ્ટ મેચ માટે ફરીથી ભારતીય ટીમ સાથે જોડાશે.

સીરિઝની છેલ્લી ટેસ્ટ મેચ ૭ માર્ચથી ધર્મશાલામાં રમાશે. ત્રણ મેચ બાદ ભારતીય ટીમ ૫ ટેસ્ટ મેચની સીરિઝમાં ૨-૧થી આગળ છે. ભારતે રાજકોટ ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે ૪૩૪ રનથી ઐતિહાસિક મેળવી હતી. હૈદરાબાદમાં રમાયેલી સીરિઝની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતને ૨૮ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ આ પછી વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં ભારતે વાપસી કરી અને ૧૦૬ રને જીત મેળવી હતી.