કમલનાથે ભાજપમાં નહીં જવાનો ખુલાસો કરી દેતાં તમામ અટકળોનો અંત આવ્યો હતા

ભોપાલ, પૂર્વ સાંસદ કમલનાથ અને તેમના પુત્ર સાંસદ નકુલનાથના ભાજપમાં જોડાવા અંગેનો પોલિટિકલ ડ્રામા ત્રણ દિવસ ચાલ્યો હતો અને અંતે આજે તેના પર પડદો પડી ગયો છે. કમલનાથે ભાજપમાં નહીં જવાનો ખુલાસો કરી દેતાં તમામ અટકળોનો બપોરે અંત આવ્યો હતો. કમલનાથે એક મીડિયા હાઉસને કહ્યું કે હું ભાજપમાં જોડાઈ રહ્યો નથી. અગાઉ તેમણે તેમના બંગલે એક બેઠક યોજી હતી, જેમાં સાંસદ ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો અને વરિષ્ઠ નેતાઓએ હાજરી આપી હતી. ગઈકાલથી દિલ્હીમાં કમલનાથના બંગલા પર લગાવવામાં આવેલ જય શ્રીરામ ધ્વજ આજે બપોરે હટાવી દેવામાં આવ્યો હતો. થોડા સમય પછી તેને ફરીથી લગાવાયો હતો.

એમપી કોંગ્રેસમાં ભાગલાના સમાચારને લઈને પ્રદેશ પ્રભારી ભંવર જિતેન્દ્ર સિંહને ડેમેજ કંટ્રોલની જવાબદારી સોંપવામાં આવી છે. જિતેન્દ્ર સિંહ આવતીકાલે મંગળવારે રાજધાની ભોપાલ જશે. જ્યાં તેઓ ધારાસભ્યો સાથે વન ટુ વન ચર્ચા કરશે. ભંવરસિંહ આવતીકાલે સવારે ૧૦.૩૦ કલાકે ધારાસભ્યોની બેઠક યોજશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ધારાસભ્યોને લોક્સભા ચૂંટણી અને ભારત જોડો ન્યાય યાત્રા પર ચર્ચા કરવા માટે બોલાવવામાં આવ્યા છે. કોંગ્રેસના સાંસદ રાજમણિ પટેલે કહ્યું- ’કમલનાથ લાંબા સમયથી દેશમાં નફરત ફેલાવવાના વિચાર સામે લડી રહ્યા છે. તે ભાજપમાં જોડાશે તેવી આશા રાખવી મુશ્કેલ છે.

કમલનાથના નજીકના સહયોગી અને પૂર્વ મંત્રી સજ્જન સિંહ વર્માએ રવિવારે મીડિયાને કહ્યું, ’કમલનાથે કહ્યું કે તેમણે એવું કંઈ વિચાર્યું નથી (પાર્ટી છોડવા વિશે). અત્યારે તેમનું ધ્યાન મધ્યપ્રદેશની ૨૯ લોક્સભા સીટો પર જાતિ સમીકરણ કેવું રહેશે તેના પર છે. કમલનાથના ભાજપમાં જોડાવાની વાતો મીડિયાની ઉપજ છે. તેઓ ક્યાંય જતા નથી.’

આ દરમિયાન પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જીતુ પટવારીએ કહ્યું, ’મેં કમલનાથજી સાથે વાત કરી છે. તેમણે કહ્યું કે મીડિયામાં જે સમાચાર આવી રહ્યા છે તે ભ્રમ છે. હું કોંગ્રેસી હતો, છું અને રહીશ. જો કે, મોડીરાત સુધી કમલનાથ તરફથી કોઈ નિવેદન આવ્યું નહોતું કે તેઓ કોંગ્રેસમાં રહેશે કે ભાજપમાં જોડાશે. સવારે દિલ્હીમાં પોતાના નિવાસસ્થાનેથી નીકળતી વખતે તેણે મીડિયાને માત્ર એટલું જ કહ્યું હતું કે, ’મારી સાથે હજુ સુધી ક્યાંય વાત થઈ નથી. હું તેરમા માટે જાઉં છું.જણાવવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધીએ રવિવારે કમલનાથ સાથે ફોન પર ચર્ચા કરી હતી. આ પછી રાજકીય સમીકરણો બદલાઈ ગયા. રાહુલે નાથને કહ્યું કે તમે પાર્ટી અને દેશ માટે ઘણું કર્યું છે. પાર્ટીએ હંમેશા તમારું સન્માન કર્યું છે અને ભવિષ્યમાં પણ કરતા રહેશે. આ પછી મામલો કથિત પક્ષપલટા પર અટકી ગયો. પીસીસી પ્રમુખ જીતુ પટવારીએ પણ કહ્યું કે કમલનાથજીએ કહ્યું છે – જે પણ આવી રહ્યું છે તે એક ભ્રમણા છે. લોકશાહીમાં જીત અને હાર હોય છે. મેં મારું જીવન દરેક પરિસ્થિતિમાં કોંગ્રેસના વિચારો સાથે જીવ્યું છે અને મારા છેલ્લા શ્વાસ સુધી જીવીશ.

રવિવારે દિલ્હીમાં કમલનાથને મળ્યા બાદ સજ્જન સિંહ વર્માએ કહ્યું, ’મેં હમણાં જ કમલનાથજી સાથે ચર્ચા કરી હતી. તેઓ મધ્યપ્રદેશમાં લોક્સભા ચૂંટણી માટે ટિકિટની વહેંચણી કેવી રીતે થવી જોઈએ તે દર્શાવતો ચાર્ટ લઈને બેઠા હતા. શું હશે જ્ઞાતિ સમીકરણ? કમલનાથે કહ્યું છે કે અત્યારે મારા મનમાં (ભાજપમાં જોડાવાનો) આવો વિચાર નથી અને ન તો મેં કોઈની સાથે ચર્ચા કરી છે. કમલનાથજી કહી રહ્યા છે કે આ બધા મીડિયા દ્વારા ઉભા કરાયેલા પ્રશ્ર્નો છે. મેં કોઈ મીડિયાવાળાને કહ્યું નથી કે હું ક્યાં જઈ રહ્યો છું. વર્માએ કહ્યું- જ્યારે મેં પૂછ્યું કે મીડિયાના લોકો આ સવાલ ઉઠાવી રહ્યા છે તો કમલનાથે કહ્યું કે જો મેં આ વાત કોઈ મીડિયા વ્યક્તિને કહી હોય તો તેને મારી સામે લાવો. તેઓ પોતે જ મુદ્દા ઉઠાવી રહ્યા છે અને જવાબો પણ આપી રહ્યા છે. સૂત્રોનું માનીએ તો કમલનાથને બદલે તેમના પુત્ર નકુલનાથ અને પુત્રવધૂ પ્રિયાનાથ ભાજપમાં જોડાશે. જો કે હજુ એ સ્પષ્ટ નથી થયું કે તેઓ ભાજપમાં ક્યારે જોડાશે? તો ભાજપમાં જોડાવાને બદલે, કમલનાથ રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની અથવા ચૂંટણીની રાજનીતિથી દૂર રહેવાની જાહેરાત કરી શકે છે. મુખ્યમંત્રી મોહન યાદવની છિંદવાડાની મુલાકાત ૨૧મી ફેબ્રુઆરીએ નક્કી છે. રાજકીય નિષ્ણાતોનું કહેવું છે કે આ પ્રવાસ દરમિયાન કમલનાથના ઘણા સમર્થકો ભાજપની સદસ્યતા લઈ શકે છે.