- બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન દ્વારા ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી તાલીમનું આયોજન.
લુણાવાડા,દેશમાં શિક્ષિત બેરોજગાર યુવાનોની શક્તિને પ્રેરણા આપીને યોગ્ય દિશા નિર્દેશ કરવામાં આવે તો તેઓનામાં છુપાયેલી પ્રતિભાને બહાર લાવી શકાય અને આ યુવા શક્તિ દેશના આર્થિક વિકાસમાં મહત્વનો ભાગ ભજવી શકે આવા ઉમદા ઉદ્દેશ સાથે ભારત સરકારના ગ્રામ વિકાસ વિભાગ અને રાજ્ય સરકારનાં સહયોગથી બેંક ઓફ બરોડા દ્વારા બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા (બરોડા આરસેટી)ની સ્થાપના કરવામાં આવી છે. આ સંસ્થા દ્વારા અનેક તાલીમ કાર્યક્રમોના માધ્યમથી યુવા પ્રતિભાઓને ઉજાગર કરી રોજગારી ક્ષેત્રે આત્મનિર્ભર બનવા સહયોગ આપવામાં આવી રહ્યો છે.
મહીસાગર આરસેટીના ડાયરેકટર વિશાલ અગ્રવાલે જણાવ્યું હતું કે આ સંસ્થા દ્વારા ગ્રામ્ય કક્ષાએ લોકોને જાગૃત કરી માંગ આધારિત તાલીમ માટેના કાર્યક્રમોનું આયોજન કરી ઉમેદવારની યોગ્યતા અને મૂલ્યાંકન પછી અરજદારને જે તે ક્ષેત્રમાં તાલીમ આપી સ્વરોજગાર માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ સંસ્થા દ્વારા બેરોજગારોને નિ:શુલ્ક તાલીમ રહેવા જમવાની સુવિધા સાથે આપવામાં આવે છે, તેમજ તાલીમ બાદ સ્વરોજગાર શરૂ કરવા માટે બેંકમાથી ધિરાણ-ક્રેડિટ લિંકેજ માટે હેન્ડ હોલ્ડિંગ સપોર્ટ આપે છે. વધુમાં તેમણે હાલ આ ફોટોગ્રાફીની તાલીમમાં યુવાનો ખૂબ ઉત્સાહપૂર્વક તાલીમ લઇ રહ્યા છે ત્યારે આ વર્ષ 2024માં મહીસાગર આરસેટી દ્વારા ટૂંકાગાળાની એલએમવી માલિક ડ્રાઈવર, ટુ વ્હીલર મિકેનિક, સેલફોન રીપેરીંગ એન્ડ સર્વીસીસ, સીસીટીવી કેમેરા સિક્યોરીટી એલાર્મ સ્મોક ડીટેકટરનું ઇન્સ્ટોલેશન અને સર્વીસીસ, રેફ્રીજેશન અને એર કંડીશનીંગ, સીવણ, કોમ્પ્યુટર, કૃષિ, પશુપાલન, હસ્તકલાની અનેકવિધ તાલીમો યોજાનાર છે તો આગામી તાલીમ કાર્યક્રમોમાં જોડાવા માટે સંસ્થાનો સંપર્ક કરવા અપીલ કરૂં છું તેમ જણાવ્યું હતું
મહીસાગર આરસેટી દ્વારા જીલ્લામાં ફોટોગ્રાફીમાં રસ ધરાવતા યુવાઓ આત્મનિર્ભર થઇ શકે તેવા ઉદ્દેશ સાથે 30 તાલીમાર્થીઓ માટે હાલમાં 30 દિવસની નિ:શુલ્ક ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીની તાલીમ યોજાઈ રહી છે. છત્તીસગઢથી આવેલા માસ્ટર ટ્રેનર રવિન્દ્ર ચોપરા દ્વારા આ તાલીમમાં ટ્રેડીશનલ ફોટોગ્રાફી. ફિલ્મમેકિંગ, ડોક્યુમેન્ટરી ફિલ્મ,એડવર્ટાઇઝિંગ, સ્ટીલ ફોટોગ્રાફી, ડી.એસએલઆર ફોટોગ્રાફી સહીત ફોટોગ્રાફીના વિવિધ વિષયો પર તાલીમ આપવામાં આવી રહી છે.
તાલીમાર્થી યુવાનોએ ખૂબ પ્રેરક પ્રતિભાવ આપતા સરકાર અને સંસ્થાના પ્રયાસોની પ્રસંશા કરી હતી અને આ તાલીમથી તેઓ તેમના કૌશલ્યનો વિકાસ કરી આત્મનિર્ભર બની રોજગારી મેળવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.