દાહોદ,દાહોદ જીલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના જુનીબેડી ગામે ખેતરમાં કામ કરી રહેલ એક 46 વર્ષિય મહિલા ઉપર વન્ય પ્રાણી રીંછએ મહિલા ઉપર ઓચિંતો જીવલેણ હુમલો કરતાં રીંછે મહિલાના માથાના ભાગે, પગના ભાગે તેમજ શરીરે બચકા ભરી તેમજ પંજા મારી ગંભીર ઈજાઓ પહોંચાડતાં ઈજાગ્રસ્ત મહિલાને સારવાર હેઠળ નજીકના દવાખાને લઈ જવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે.
દેવગઢ બારીઆ તાલુકાના આમલી પાણી છોત્રા ગામે તરકોસીયા ફળિયામાં રહેતાં 46 વર્ષિય બુધલીબેન વાડીલાલભાઈ રાઠવા ગત તા.19મી ફેબ્રુઆરીના રોજ જુનીબેડી ગામે આવેલ પોતાના ખેતરમાં વહેલી સવારના સમયે ખેતરમાં તુવેર કાપવાની કામગીરી કરી રહ્યાં હતા. તે સમયે નજીકના જંગલ વિસ્તારમાં આવી ચઢેલા એક રીંછે બુધલીબેન ઉપર ઓચિંતો જીવલેણ હુમલો કર્યો હતો અને બુધલીબેનને માથાના કપાળના ભાગે બચકુ ભર્યુ હતું તેમજ ડાબી આંખના ભાગે, પગના સાથળના ભાગે પંજા દ્વારા નખ મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. બુધલીબેને રીંછના હુમલાને પગલે બુમાબુમ કરી મુકતાં આસપાસના લોકો દોડી આવ્યાં હતાં અને લોકોને આવતાં જોઈ વન્ય પ્રાણી રીંછ નજીકના જંગલ વિસ્તારમાં ચાલ્યો ગયો હતો. ત્યારે ગંભીર ઈજાગ્રસ્ત બુધલીબેનને 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા મારફતે નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં. રીંછના હુમલાને પગલે ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ત્યારે વન વિભાગના કર્મચારીઓ પણ સ્થળ પર દોડી આવ્યાં હતાં અને ગ્રામજનોને સાવચેત રહેવા અપીલ પણ કરવામાં આવી હતી.