ખેડા જીલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી

નડીયાદ, ખેડા જીલ્લા પંચાયત આરોગ્ય શાખા નડિયાદ દ્વારા 15 ફેબ્રુઆરીના રોજ જીલ્લાની વિવિધ શાળાઓ અને આંગણવાડી ખાતે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં 1 વર્ષથી 19 વર્ષની વયના તમામ બાળકોને આલબેન્ડેઝોલની ગોળી ખવડાવવામાં આવી. ઉપરાંત, ખેડા જીલ્લાના તમામ 14 સામુહિક આરોગ્ય કેન્દ્રો, 54 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તેમજ 11 અર્બન હેલ્થ સેન્ટર્સ, 316 પેટા સેન્ટરો અને તેમના સેજાના 522 ગામોમાં પત્રિકાનું વિતરણ અને પોસ્ટરો, બેનરો ડીસ્પલે કરવામાં આવ્યા. તેમજ લાર્ભાથીઓને રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની વિસ્તૃત સમજ આપવામાં આવી.

રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ ઉજવણી અંતર્ગત આરોગ્ય કર્મચારી, આશા, આંગણવાડી કાર્યકર, સુપરવાઈઝર તથા સ્વયંસેવક દ્વારા જીલ્લાના 1 વર્ષથી 19 વર્ષના બાળકોને માર્ગદર્શન માટે બૂથ બનાવવામાં આવેલ અને અંતરીયાળ વિસ્તારમાં કામગીરી કરવા માટે મોબાઈલ ટીમ બનાવવામાં આવી હતી. આરોગ્ય ટીમ દ્વારા હવે બાકી રહેલ બાળકો માટે તા. રર મીએ મોપઅપ રાઉન્ડ યોજાશે અને આરોગ્ય ટીમ ગામના દરેક ઘરોની મુલાકાત લેશે. જો કૃમિનાશક ગોળી ખવડાવવામાં બાળક બાકી હશે તો સ્થળ પર જ ગોળી ખવડાવવામાં આવશે. કૃમિનાશક ગોળી કૃમિથી થતા ચેપ સામે રક્ષણ આપે છે.

કૃમિના ચેપથી બાળકોના સ્વાસ્થય પર લોહીની ઉણપ, કુપોષણ, ભૂખ ન લાગવી, બેચેની, પેટમાં દુ:ખાવો ઉલ્ટી તથા ઝાડા, વજન ઓછુ થવુ જેવી અનેક હાનિકારક અસરો જોવા મળે છે.