રાજગઢ ફોરેસ્ટ અધિકારી વન્ય પાણી પ્રાણીઓના હુમલા અને વૃક્ષ છેદન રોકવામાં તદ્દન નિષ્ફળ: જંગલમાં રીંછ હોવાની વાત દબાવી રાખી

ધોધંબા,ઘોઘંબા તાલુકાનું રાજગઢ ફોરેસ્ટ વિભાગ લીલા વૃક્ષોના કટિંગ અને વન્યપ્રાણીઓથી લોકોને જાગૃત જેવા તમામ મોર્ચે નિષ્ફળ નીકળ્યું છે પાલ્લા ગામે તાજેતરમાં જ દીપડાએ કૂતરાને પોતાનો શિકાર બનાવ્યો હતો. છેલ્લા કેટલાય દિવસથી રાત્રીના સમયે શિકારની શોધમાં આવેલા દીપડા વિશે વન વિભાગને જાણ કરવા છતાં વન વિભાગે કોઈ આગોતરૂં આયોજન કર્યું નથી. થોડા દિવસ અગાઉ પણ બોરીયા ગામે રીંછ દેખાયું હતું. પરંતુ વન વિભાગે આ વાતને દબાવી રાખી હતી. વન વિભાગની આ શંકાસ્પદ કામગીરી વનવિસ્તારમાં રહેતા લોકો માટે જીવલેણ સાબિત થશે

છોટાઉદેપુર જીલ્લાના પાવીજેતપુર તાલુકાના કદવાલ તથા આંબખૂંટ ગામે રીંછે ખેડૂત ઉપર હુમલા કરી ગંભીર રીતે ઘાયલ કર્યા હોવાના બનાવ બન્યા છે. છોટાઉદેપુર અને રાજગઢ ફોરેસ્ટ અડીને આવેલ છે, તેવામાં ઘોઘંબાના જંગલોમાં રીંછ ફરતા હોવાની વાત લોકોથી છુપાવવી કેટલી વ્યાજબી છે. બોરીયા ગામે રહેતા સામાજીક કાર્યકરના ઘર પાસે મૂકવામાં આવેલા સીસીટીવી ફૂટેજમાં રીંછ ફરતુ દેખાયું ત્યારે વન વિભાગે આ વાત સ્વીકારી હતી. રાજગઢ વન વિભાગ ગ્રામ્ય વિસ્તારોમાં દીપડા તથા રીંછ વિશે જનજાગૃતિ લાવવાના પ્રયાસ જ નથી કરતું. આ વિસ્તારના લોકો દીપડાથી પરિચિત છે અને તેઓને દીપડાની હિલચાલ વિશેની જાણકારી છે પરંતુ રીંછ જેવા પ્રાણીઓથી તેઓ અજાણ છે.

વન્ય પ્રાણીઓ સાથે આ વિસ્તારમાં વૃક્ષ છેદન કરતા લાકડા તથા ખનીજ માફિયાઓનો પણ એટલો જ ત્રાસ છે લીલા વૃક્ષોનું ગેરકાયદેસર કટીંગ કરનારાઓને રાજગઢ વન વિભાગે મોકળુ મેદાન આપ્યું છે. રોજના 50 થી 100 જેટલા વાહનો અહીંથી લાકડા ભરીને નીકળે છે વન વિભાગ જંગલ બચાવવા માટે પણ સક્ષમ નથી. વન્ય પશુઓ વિષે લોકજાગૃતિ અને લીલા વૃક્ષોનું નિકંદન થતું અટકાવવામાં તંત્ર સદંતર નિષ્ફળ નિવડ્યું છે. જંગલ બચાવવા માટે વન અધિકારીને બદલવા જરૂરી બન્યું અધિકારીને બદલવા માટે લોકસૂર ઊઠવા પામ્યા છે. જો અધિકારી નહી બદલાય તો ઘોઘંબાનું જંગલ ભૂતકાળ બની જશે.