ગોધરા,બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટના નેજા હેઠળ આજરોજ પંચમહાલ જીલ્લા સેવાસદન કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી, જેમાં જણાવ્યા મુજબ દાહોદ, પંચમહાલ અને મહીસાગર જીલ્લાઓના આદિવાસી વિસ્તારોમાં થોડા સમય બાદ લગ્નનો સમયગાળો શરૂ થશે. આ લગ્નગાળા દરમ્યાન કેટલાક દુષણોના કારણે આદિવાસી સમાજ આર્થિક અને શારીરિક રીતે પાયમાલ થઈ રહ્યો છે. આ દુષણો કાયદાકીય રીતે પ્રતિબંધિત હોવા છતાં, સરકારી તંત્ર તે કાયદાઓની અમલવારીમાં આંખ આડા કાન કરી રહ્યું છે, પરિણામે આદિવાસી સમાજ દિવસેને દિવસે પાયમાલ થઈ રહ્યો છે.
આથી તેના પર જાહેર હિતમાં તાત્કાલિક કાયદાકીય અંકૂશ લગાવવાની જરૂર છે. ડી.જે. વગાડવા પર જાહેરનામાથી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હોવા છતાં કોઈપણ જાતની રોકટોક વગર ડી.જે. વગાડવામાં આવે છે. જેના કારણે લોકોના સ્વાસ્થ્ય પર વિપરિત અસર થાય છે. ઉપરાંત આ પરીક્ષાનો સમય હોવાથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકતા નથી. પરિણામે આખા વિસ્તારના વિદ્યાર્થીઓનું પરીક્ષાનું પરિણામ ખૂબ જ નબળું રહે રહે છે.જેને લઈને સરકારના ઉચ્ચ સ્તરે પણ ગત વર્ષે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
આદિવાસી વિસ્તારોમાં લગ્નના સમયગાળામાં ખૂબ જ ઊંચા વ્યાજે નાણાંનું ધીરાણ થાય છે, અને તેની પઠાણી ઉઘરાણી કરવામાં આવે છે, પરિણામે આદિવાસી સમાજ દેવાદાર થઈ રહ્યો છે.આદિવાસી સમાજમાં લગ્નોમાં વધુ પડતા દહેજ/દાપુંની લેવડ દેવડ થાય છે. આ સમાજ વિરોધી પ્રવૃતિને ઊંચા વ્યાજ દરે ધીરાણ કરતા અસામાજીક તત્વો પોતાના ફાયદા માટે પ્રોત્સાહન આપે છે.આદિવાસી વિસ્તારોમાં દારૂ જેવા કેફી પદાર્થોનું વેચાણ થાય છે, જે ગેરકાનૂની છે. ઉપરાંત આ દારૂ ખૂબ જ હલકી કક્ષાનો હોવાથી આદિવાસી સમાજના સ્વાસ્થ્ય ઉપર પણ વિપરીત અસર થઈ રહી છે.
લગ્ન પ્રસંગોમાં તથા ચૂંટણીઓમાં દારૂનો વપરાશ માઝા મૂકે છે, જેના પર અંકૂશ લગાવવાની સખત જરૂર છે. આદિવાસી સમાજમાં દહેજ/દાપુંના નામે ખૂબ જ ઊંચી રકમની લેવડ દેવડ થાય છે. દહેજ પ્રતિબંધક ધારો-1961 ની અમલવારી આ વિસ્તારમાં અસરકારક બનાવવાની જરૂર છે. હોલમાર્ક વગર સોના ચાંદીના ઘરેણાંનું વેચાણ ગેરકાયદે હોવા છતાં આદિવાસી વિસ્તારોમાં આ કાયદાનું વેપારીઓ દ્વારા સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવે છે. જેના કારણે આદિવાસી સમાજ કે જેમાં શિક્ષણ અને જાગૃતિનું પ્રમાણ ઓછું છે, તે મોટેપાયે છેતરાય છે.
આ અંગેના કાયદાની અમલવારી કરાવવાની કામગીરી પણ શૂન્ય છે.આદિવાસી વિસ્તારોમાં લોકોમાં કાયદાની સમજ ઓછી હોય છે આથી કાયદાનો અમલ કરાવનાર એજન્સીઓ જેવી કે પોલીસ વિભાગ તથા અન્ય વિભાગો પ્રથમ આ વિસ્તારના જનપ્રતિનિધિઓ તથા આદિવાસી સામાજીક આગેવાનોની બેઠક બોલાવીને તથા અન્ય રીતે તે અંગે જાગૃતિ ફેલાવીને કાયદાનો કડક અમલ કરાવવા જરૂરી સૂચનાઓ જે તે વિભાગને આપવા વિનંતિ છે.તેમ આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.