IPL 2024 પહેલા MI ફેન્સ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. MI અમીરાતે ઇન્ટરનેશનલ લીગ T20 (ILT20) ટાઇટલ જીતી લીધું છે. નિકોલસ પૂરનની કપ્તાનીવાળી ટીમે શનિવારે રમાયેલી ફાઈનલ મેચમાં દુબઈ કેપિટલ્સને 45 રનથી હરાવીને ટ્રોફી જીતી હતી. પુરન અને આન્દ્રે ફ્લેચરની તોફાની ઇનિંગ્સને કારણે MIએ 208 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જેના જવાબમાં દુબઈની ટીમ 163 રન જ બનાવી શકી હતી
દુબઈના કેપ્ટન સેમ બિલિંગ્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનું નક્કી કર્યું અને MIને પ્રથમ બેટિંગ આપવામાં આવી હતી. મોહમ્મદ વસીમ અને કુશલ પરેરાની ઓપનિંગ જોડીએ MIને સારી શરૂઆત અપાવી હતી. બંને બેટ્સમેનોએ પ્રથમ વિકેટ માટે 6.2 ઓવરમાં 77 રનની ભાગીદારી કરી હતી. વસીમ (24 બોલમાં 43 રન)ના આઉટ થયા બાદ બેટિંગ કરવા આવેલા ફ્લેચરે પરેરા સાથે મળીને રનની ગતિ જાળવી રાખી હતી. જોકે, પરેરા 26 બોલમાં 38 રન બનાવીને સિકંદર રઝાનો શિકાર બન્યો હતો.
એ બાદ ફ્લેચરે 37 બોલમાં 53 રન બનાવ્યા જેમાં 3 ફોર અને 4 સિક્સ સામેલ હતી. તેના આઉટ થયા પછી, પુરને જોરદાર પ્રદર્શનની શરુઆત કરી હતી, પણ એક સમયે એમ લાગતું હતું કે MI બેસોનો આંકડો પાર કરી શકશે નહીં. જો કે પુરને ટીમને 208ના સ્કોર સુધી પહોંચાડી હતી. તેણે માત્ર 27 બોલમાં 211.11ની સ્ટ્રાઈક રેટથી 57 રન બનાવ્યા હતા. તેની સામે ફાઈનલ મેચમાં સ્કોરનો પીછો કરતા દુબઈ કેપિટલ્સ માત્ર 163 રન જ બનાવી શકી હતી.
ઇન્ટરનેશનલ લીગ T20 2024નું ટાઇટલ જીતનાર MI અમીરાતને 700,000 યુએસ ડોલર (લગભગ રૂ. 5.80 કરોડ) મળ્યા છે. આ સિવાય રનર્સઅપ રહેલી દુબઈ કેપિટલ્સને પણ કરોડો રૂપિયા મળ્યા હતા. દુબઈ કેપિટલ્સને ઉપવિજેતા બનવા બદલ 300,000 યુએસ ડોલર (આશરે રૂ. 2.50 કરોડ) મળ્યા છે.
ILT20ની શરૂઆત ગયા વર્ષે કરવામાં આવી હતી. આ છ ટીમોની લીગની પ્રથમ સિઝનમાં, MI અમીરાત ટ્રોફીની ખૂબ જ નજીક આવી હતી, પરંતુ ક્વોલિફાયર 2માં ગલ્ફ જાયન્ટ્સના હાથે હારનો સામનો કર્યા બાદ ખિતાબની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. ફાઇનલમાં ડેઝર્ટ વાઇપર્સને હરાવીને ગલ્ફ જાયન્ટ્સ ILT20ની પ્રથમ ચેમ્પિયન ટીમ બની હતી.