
ગુજરાતમાં ફરીથી પેપર ફૂટયું છે. જેમાં NCC સી.સર્ટિફિકેટનું પેપર ફૂટયૂ છે. તેમાં ભાવનગર ખાતે આજે પરીક્ષા યોજાવાની હતી. ત્યારે પરીક્ષાના કલાક પહેલા જ પેપર ફૂટયૂ છે. જેમાં ભાવનગર તેમજ અમરેલી જિલ્લાના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા.
NCCસી.સર્ટિફિકેટની ૪૪૮ જેટલા કેડેટ પરીક્ષા આપવાના હતા. સી.સર્ટિફિકેટ સાથે નેવલ અને એરફોર્સને લગતી પરીક્ષા યોજાવાની હતી. તેમાં પેપર ફૂટતા હાલ પરીક્ષા મોકૂફ રખાઈ છે. ભાવનગર અમરેલી સહિતના જિલ્લામાંથી વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવ્યા હતા તેમને હવે ધક્કો પડ્યો છે. ગુજરાતમાં વારંવાર પરીક્ષાના પેપર ફૂટવાનો મામલો સામે આવે છે. જેમાં તલાટી, શિક્ષક અને સરકારી નોકરીના પેપર ફૂટતા હતા. પણ હવે તો NCC સી.સર્ટિફિકેટનું પેપર ફૂટતા ચર્ચાનો વિષય બન્યો છે.
પેપર લીકના ગુનેગારો સામે ગુજરાતમાં ત્રણથી દસ વર્ષની સજાની જોગવાઈ છે. તેમજ ગુનેગારને રૂ. એક લાખથી લઈને રૂ. એક કરોડ સુધીનો દંડ ફટકારવામાં આવે છે. આ ઉપરાંત પેપર ખરીદનારા વિદ્યાર્થીઓને પણ બેથી દસ વર્ષની સજા થઈ શકે છે. તેમજ આ મામલે આરોપીઓને જામીન મળતા નથી. કેન્દ્ર સરકારે પેપર લીકને રોકવા માટે પાંચમી ફેબ્રુઆરીએ લોક્સભામાં પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ ઇન પબ્લિક એક્ઝામિનેશન બિલ, ૨૦૨૪ રજૂ કર્યું હતું. પ્રસ્તાવિત બિલમાં વિદ્યાર્થીઓને નિશાન બનાવવામાં આવશે નહીં, પરંતુ સંગઠિત અપરાધ, માફિયા અને મિલીભગતમાં સંડોવાયેલા લોકો સામે કાર્યવાહી કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આ બિલમાં ઉચ્ચ સ્તરીય તકનીકી સમિતિનો પણ પ્રસ્તાવ છે, જે કોમ્પ્યુટર દ્વારા પરીક્ષા પ્રક્રિયાને વધુ સુરક્ષિત બનાવવા માટે ભલામણો કરશે. આ કેન્દ્રીય કાયદામાં કેન્દ્રીય યુનિવર્સિટી ઓની પ્રવેશ પરીક્ષાઓને પણ આવરી લેવામાં આવશે.