હું એટલો સ્માર્ટ છું કે મારી પાસે ઘણા બધા વિકલ્પો છે, તમારે મારા વખાણ કરવા જોઈએ: એસ જયશંકર

નવીદિલ્હી, વાત જાણે એમ છે કે, વિદેશ મંત્રી એસ જયશંકરે શનિવારે રશિયા સાથે ચાલી રહેલા વેપાર વચ્ચે અમેરિકા સાથે સંતુલિત સંબંધો જાળવવા બદલ ભારતની રમૂજી રીતે પ્રશંસા કરી અને કહ્યું કે, તે અમારા માટે કોઈ સમસ્યા નથી. રસપ્રદ વાત એ છે કે જ્યારે જયશંકર મ્યુનિકમાં એક સુરક્ષા પરિષદના સત્રમાં આ ટિપ્પણી કરી રહ્યા હતા ત્યારે યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટની બ્લિંકન અને જર્મન વિદેશ મંત્રી અનાલેના બેરબોક પણ એક જ મંચ પર હાજર હતા.

ભારતના વિદેશમંત્રી જયશંકરને પ્રશ્ર્ન પૂછવામાં આવ્યો હતો કે, ભારત રશિયા સાથે વેપાર ચાલુ રાખીને યુએસ સાથે તેના વધતા દ્વિપક્ષીય સંબંધોને કેવી રીતે સંતુલિત કરી રહ્યું છે? જોકે આ જવાબમાં તેમણે કહ્યું કે, શું આ કોઈ સમસ્યા છે, શા માટે તે સમસ્યા હોવી જોઈએ? હું એટલો સ્માર્ટ છું કે મારી પાસે ઘણા બધા વિકલ્પો છે, તમારે મારા વખાણ કરવા જોઈએ. જયશંકરે આ જવાબ આપ્યો ત્યારે અમેરિકી વિદેશ મંત્રી બ્લિંકન તેમની બાજુમાં બેઠા હતા. આ પહેલીવાર નથી જ્યારે વિદેશ મંત્રી એસ જયશંકરે સસ્તા રશિયન તેલ ખરીદવા માટે ભારતનું વલણ અને પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હોય. અગાઉ પણ અનેક મંચો પર તેઓ સ્પષ્ટપણે ભારતનું વલણ જણાવી ચૂક્યા છે.

વિદેશ મંત્રી એસ જયશંકરે પણ ગાઝાની વર્તમાન સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, ભારત ઘણા દાયકાઓથી કહેતું આવ્યું છે કે, પેલેસ્ટાઈન મુદ્દાનો બે-રાજ્ય ઉકેલ હોવો જોઈએ અને હવે મોટી સંખ્યામાં દેશો ન માત્ર તેનું સમર્થન કરી રહ્યા છે પરંતુ તે પણ પ્રથમ મૂકે છે. વિદેશ મંત્રીએ ઈઝરાયેલના શહેરો પર હમાસ દ્વારા ઑક્ટોબર ૭ના હુમલાને ’આતંકવાદ’ ગણાવ્યો, પરંતુ તેલ અવીવના પ્રતિભાવની પણ નોંધ લીધી કે ઈઝરાયેલ માનવતાવાદી કાયદાનું પાલન કરવાની આંતરરાષ્ટ્રીય જવાબદારી ધરાવે છે. જયશંકરે કહ્યું કે એ મહત્વનું છે કે ઇઝરાયલ નાગરિકોની જાનહાનિ પ્રત્યે ખૂબ જાગૃત રહે.

આ સાથે સંઘર્ષ પર ભારતની સ્થિતિ સ્પષ્ટ કરતાં તેમણે કહ્યું કે, તેના વિવિધ પાસાઓ છે અને તેને વ્યાપક રીતે ચાર મુદ્દાઓમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું, પ્રથમ મુદ્દો – આપણે સ્પષ્ટ હોવું જોઈએ કે ૭ ઓક્ટોબરે જે બન્યું તે આતંકવાદ હતો; તેમાં કોઈ શંકા નથી, આ આતંકવાદ હતો. જયશંકરે કહ્યું, બીજો મુદ્દો, જેમ કે ઇઝરાયેલે જવાબી કાર્યવાહી કરી, તે મહત્વનું છે કે ઇઝરાયેલે નાગરિકોની જાનહાનિ માટે ખૂબ કાળજી લેવી જોઇએ. માનવતાવાદી કાયદાનું પાલન કરવાની તેની આંતરરાષ્ટ્રીય જવાબદારી છે. ત્રીજા મુદ્દાનો ઉલ્લેખ કરતા વિદેશ મંત્રીએ કહ્યું કે, બંધકોની વાપસી આજે જરૂરી છે. તેમણે કહ્યું કે ચોથો મુદ્દો રાહત આપવા માટે માનવતાવાદી કોરિડોરની જરૂરિયાત છે.