લોક્સભામાં ૩૭૦ સીટ શ્યામાપ્રસાદ મુખરજીને અંજલિ હશે:નરેન્દ્ર મોદી

નવીદિલ્હી, લોક્સભાની ચૂંટણી પહેલાં સરકારની સિદ્ધિઓને લોકો સુધી પહોંચાડવા અને પક્ષની ભાવિ રણનીતિ બનાવવા માટે બીજેપીનું રાષ્ટ્રીય અધિવેશન દિલ્હીમાં શરૂ થયું છે. બીજેપીના આ બે-દિવસીય રાષ્ટ્રીય અધિવેશનમાં ભાગ લેવા માટે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ દિલ્હીના ભારત મંડપમ્ પહોંચ્યા છે. પાર્ટીની બેઠકને સંબોધતાં પીએમ મોદીએ કહ્યું કે ’બીજેપીએ ૩૭૦ લોક્સભા બેઠકો જીતવી એ શ્યામાપ્રસાદ મુખરજીને સાચી શ્રદ્ધાંજલિ હશે, જેઓ કલમ ૩૭૦ નાબૂદ કરવા માટેની લડાઈ લડ્યા હતા. બીજેપીના રાષ્ટ્રીય અધિવેશનનો પ્રારંભ બીજેપીના રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠક સાથે થયો હતો, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે બીજેપી માટે આ લોક્સભા ચૂંટણીમાં ૩૭૦ બેઠકો જીતવાનો લક્ષ્યાંક માત્ર એક આંકડો નથી, પરંતુ એ શ્યામાપ્રસાદ મુખરજીને બીજેપીના તમામ કાર્યકરોની શ્રદ્ધાંજલિ હશે. બીજેપી હવે ૩૭૦ સીટોના .ટાર્ગેટ દ્વારા એ સંદેશ પણ આપી રહી છે કે મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવી દીધી છે.’

બીજેપીના મહામંત્રી વિનોદ તાવડેએ કહ્યું કે ‘વડા પ્રધાન મોદીએ કહ્યું કે બીજેપી ૩૭૦ અને એનડીએ ૪૦૦ પારમાં ૩૭૦ માત્ર એક આંકડો નથી. બીજેપીના કાર્યકરો ૩૭૦ બેઠકો જીતીને શ્યામાપ્રસાદ મુખરજીને શ્રદ્ધાંજલિ આપશે.’ પીએમ મોદીએ કહ્યું કે ‘કાર્યકરોએ ૧૦૦ દિવસ સુધી બૂથ પર કામ કરવું જોઈએ અને ગયા વખત કરતાં દરેક બૂથ પર ૩૭૦ વોટ વધારે મેળવવા માટે કામ કરવું જોઈએ.’