લુણાવાડા,
વિધાનસભાની ચૂંટણી આડે ગણતરીના મહિના બાકી છે, ત્યારે કોંગ્રેસે ઉમેદવારોની પસંદગી માટે કવાયત હાથ ધરી છે. જેના ભાગરૂપે લુણાવાડા 42 પાટીદાર સમાજ ભવન ખાતે મહીસાગર જિલ્લાની 3 વિધાનસભા દીઠ ચૂંટણી લડવા ઇચ્છુકો પાસેથી બાયોડેટા મેળવ્યા હતા. કુલ 37 ઉમેદવારોએ ટિકિટ માટે દાવો કર્યો છે.
જેમાં સૌથી વધુ લુણાવાડા માટે 22, સંતરામપુર માટે 8 અને બાલાસિનોર માટે 7 ઉમેદવારે ટિકિટ માંગી હોવાનું મીડિયા સેલના સૂત્રોએ જણાવ્યું હતું. મહીસાગર જિલ્લામાં વિધાનસભા ચૂંટણી માટે રાજકીય પાર્ટીઓ પ્લેટફોર્મ બનાવવા લાગી છે. આવામાં પક્ષમાંથી ટિકિટ માટે સંભવિતોએ લોબિંગ પણ શરૂ કરી દીધું છે. કોંગ્રેસ દ્વારા જિલ્લાની ત્રણેય વિધાનસભા સીટ માટે ઉમેદવારોના બાયોડેટા લેવાયા હતા. 42 પાટીદાર ભવન ખાતે ભારત સરકારના પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીની આગેવાનીમાં વિધાનસભાની ચૂંટણીના અનુલક્ષીને મિટિંગ યોજવામાં આવી. જેમાં મહીસાગર જિલ્લાના તમામ કોંગ્રેસ કાર્યકરો સમક્ષ વિધાનસભા ચૂંટણી લડવા માગતાં કાર્યકરોએ તેમની રાજકીય કારકિર્દી સાથે બાયોડેટા સુપરત કર્યા હતા. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પ્રભારી આ બાયોડેટા હવે પ્રદેશ સમિતિને મોકલી આપશે. જ્યાં સ્ક્રૂટિની બાદ ત્રણ નામોની પેનલ બનાવી કેન્દ્રીય ચૂંટણી સમિતિને મોકલી અપાશે. કોંગ્રેસ દ્વારા આ વર્ષે ઉમેદવારોની યાદી વહેલી જાહેર કરવા અત્યારથી કવાયત હાથ ધરી હોવાનું લાગી રહ્યું છે.