ગિરનારની ગોદમાં વર્ષોથી યોજાતા વિશ્વ પ્રસિદ્ધ મહાશિવરાત્રિના મેળાની તૈયારી શરૂ

જૂનાગઢ, સૌરાષ્ટ્રમાં આવેલા ગરવા ગઢ ગિરનારની ગોદમાં વર્ષોથી યોજાતા વિશ્વ પ્રસિદ્ધ મહાશિવરાત્રિના મેળાનાં પડઘમ સંભળાઈ રહ્યાં છે ત્યારે દેવાધિદેવ મહાદેવનાં દર્શન કરવા સાથે ભક્તિ અને ભોજનના આ મેળામાં મહાલવા આવતા લાખો શ્રદ્ધાળુઓને ધ્યાનમાં લઈને જિલ્લા વહીવટીતંત્રએ મેળાના આયોજન માટે બેઠક યોજીને તૈયારીઓ શરૂ કરી છે.

સૌરાષ્ટ્રમાં આવેલા જૂનાગઢમાં ભવનાથની તળેટીમાં આ વર્ષે મહાવદ નોમ ને પાંચમી માર્ચે શિવરાત્રિના મેળાનો રંગેચંગે પ્રારંભ થશે. આયાત્મિક્તાની સાથે-સાથે પૌરાણિક મહત્ત્વ ધરાવતા શિવરાત્રિના આ મેળામાં લાખોની સંખ્યામાં શિવભક્તો ઊમટે છે. શિવરાત્રિના મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે પ્રાથમિક સુવિધાઓ અને વ્યવસ્થા ઊભી કરવા જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાની અયક્ષતામાં ગઈ કાલે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓની બેઠક યોજાઈ હતી અને ચર્ચા કરવામાં આવી હતી. ભવનાથ તળેટી વિસ્તારમાં ટ્રાફિક નિયમન, સ્વચ્છતા, પીવાના પાણીની વ્યવસ્થા ઉપરાંત આકસ્મિક સ્થિતિમાં ઇમર્જન્સી એક્ઝિટ માટેના રૂટની પણ ચર્ચાવિચારણા કરવામાં આવી હતી. મેળા દરમ્યાન સ્વચ્છતા જળવાઈ રહે એ માટે વધારાનો સફાઈ સ્ટાફ પણ ઉપયોગમાં લેવામાં આવશે. આ ઉપરાંત શ્રદ્ધાળુઓના આરોગ્ય, ફાયર સેટી, વીજળી, પરિવહન સહિતના મુદ્દે ચર્ચા કરાઈ હતી. આ બેઠકમાં એ પણ ચર્ચા કરાઈ હતી કે દૂધ, ગૅસ સિલિન્ડર અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓના ભાવ નિયંત્રણમાં રહે.

આ બેઠકમાં કમિશનર ઓમ પ્રકાશ, જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા, અધિક નિવાસી કલેક્ટર એન. એફ. ચૌધરી, પ્રાંત અધિકારી ભૂમિ કેશવાલા, જિલ્લા આયોજન અધિકારી આર. એમ. ગંભીર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને શિવરાત્રિનો મેળો સુખરૂપ રીતે યોજાય એ માટેના આયોજન વિશે પરામર્શ કરાયો હતો.