આપવી હોય તો આખા ગુજરાતમાં દારુની છૂટ આપો, ગિફ્ટમાં જ શું કામ’? પીઆઈએલ દાખલ

ગિફ્ટ સિટી (Gift City) ની દારુ છૂટનો મામલો હવે ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) માં પહોંય્યો છે. ગીર સોમનાથના સામાજિક કાર્યકરે પીઆઈએલ (PIL) દાખલ કરીને દારુ છૂટને રદ કરવાની માગ કરી છે.

ગાંધીનગરની ગિફ્ટ સિટી (Gift City) દારુ છૂટનો મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે. ગીર સોમનાથ (Gir Somnath) ના સામાજિક કાર્યકર ઈરફાન ભંગાનીએ ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) માં જાહેર હિતની અરજી કરીને દારુ છૂટનો ગુજરાત સરકારનો 22 ડિસેમ્બર 2023નો પરિપત્ર રદ કરવાની માગ કરી છે. રાજ્ય સરકારે 22 ડિસેમ્બર 2023ના રોજ પરિપત્ર જાહેર કરીને ગિફ્ટ સિટી (Gift City) ના કર્મચારીઓ અને ત્યાં આવતા આમંત્રિત મહેમાનો માટે દારૂની છૂટ જાહેર કરી હતી.

ઈરફાન ભંગાનીએ તેમની અરજીમાં કહ્યું કે દારુબંધી હોવા છતાં પણ ગુજરાતમાંથી અવારનવાર દારૂ ઝડપાતો હોય છે. જે રાજ્યોમાં દારુની છૂટ છે ત્યાં મહિલાઓ પર સૌથી વધુ અત્યાચારો થતાં હોય છે. ધનવાનોના લાભાર્થે ગિફ્ટ સિટી (Gift City) માં દારૂની છૂટ આપવામાં આવી છે. જો સરકાર દારૂ ઉપર પ્રતિબંધ હટાવવા માંગતી હોય તો આદિજાતિ વિસ્તારમાં તેની ફેક્ટરી નાખે જેથી કરીને ગરીબ આદિજાતિના લોકોને પણ તેની આવક થાય. આ પરિપત્ર ફક્ત પૈસાદાર માણસો માટે જાહેર કરાયો છે. ગિફ્ટ સિટીમાં 500 કરોડની પ્રોપર્ટીની ડીલ થઈ ચૂકી છે. તેમજ 108 કરોડની મેમ્બરશીપ રજિસ્ટર થઈ ચૂકી છે. સરકાર ફક્ત ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપીને મોનોપોલી ઉભી કરી રહી છે. જો સરકારે ખરેખર છૂટ આપવી હોય તો સમગ્ર રાજ્યમાંથી દારૂબંધી દૂર કરે.

ઈરફાન ભંગાનીનું એવું પણ કહેવું છએ કે છૂટ બાદ ગિફ્ટ સિટીમાં દારુ દૂધની જેમ વેચાશે. સામાન્ય માણસ ગિફ્ટ સિટીમાં પ્રોપર્ટી ખરીદી શકવા કે ત્યાં જઈને દારૂ પીવા સક્ષમ નથી. આથી અરજદારે હાઇકોર્ટમાં અરજી કરીને સરકારને નિર્દેશ આપવા માગ કરી છે. જેથી સરકાર ગિફ્ટ સિટીને લઈને બહાર પાડેલું જાહેરનામું પરત લે. ઈરફાન ભંગાની સરકાર સમક્ષ પણ રજૂઆત કરી ચૂક્યાં છે કે ગિફ્ટ સિટીની દારુ છૂટ પાછી ખેંચવી જોઈએ.

અરજદારે પોતાની અરજી વધુમાં જણાવ્યું છે કે, મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂ ઉપર પ્રતિબંધ છે, તેમ છતાંય દારૂ પકડાય છે. દારૂને લઈને કેસમાં પણ અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. સરકારે ગિફ્ટ સિટીને લઈને પરિપત્ર જાહેર કરીને ત્યાંની પ્રોપર્ટીના ભાવ વધારવા માટેનું કામ કર્યું છે. અરજદારે પોતાની અરજીમાં ગુજરાતમાં બંનેલા લઠ્ઠાકાંડનો પણ ઉલ્લેખ કર્યો છે. જેમાં અનેક મહિલાઓ વિધવા થઈ હોવાનું નોંધ્યું છે. અરજદારનું કહેવું છે કે, ગિફ્ટ સિટીમાં દારૂ હવે દૂધની જેમ વેચાશે. જો સરકારે ખરેખર છૂટ આપવી હોય તો સમગ્ર રાજ્યમાંથી દારૂબંધી દૂર કરવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે 22 ડિસેમ્બર 2023ના દિવસે રાજ્ય સરકારે એક પરિપત્ર બહાર પાડીને ગાંધીનીગર સ્થિત ગિફ્ટી સિટીમાં દારુબંધીનો નિયમ હળવો કરીને ત્યાં કામ કરતાં કર્મચારીઓ અને વિઝિટર્સને ત્યાં બેસીને દારુ પીવાની છૂટ આપી હતી. તેમને માટે લિકર પરમિશન પણ બહાર પાડવામાં આવી રહી છે.