
મુંબઈ, દેશના સૌથી વ્યસ્ત અને આધુનિક મુંબઈ એરપોર્ટ પર એક સનસનીખેજ ઘટના સામે આવી છે. બુકિંગ કરાવ્યા બાદ પણ વ્હીલચેર ન મળવાને કારણે વૃદ્ધનું મોત થયું હતું. આ ઘટનામાં એવું સામે આવ્યું છે કે મુંબઈ એરપોર્ટ પર વ્હીલચેર સહાયકોની અછત હતી. જેના કારણે વૃદ્ધ દંપતીને માત્ર એક સહાયક આપવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં વૃદ્ધ પતિને પ્લેનથી ઇમિગ્રેશન કાઉન્ટર સુધી પગપાળા જ જવું પડ્યું.કાઉન્ટર પર પડી જતાં હૃદયરોગના હુમલાથી વૃદ્ધનું મોત થયું હતું. આ ઘટના બાદ એર ઈન્ડિયાએ પણ પોતાનો ખુલાસો કર્યો છે.
૮૦ વર્ષનો આ વૃદ્ધ ન્યૂયોર્કથી મુંબઈ આવ્યો હતો. દંપતીએ પોતાના માટે વ્હીલચેર બુક કરાવી હતી. જયારે એર ઈન્ડિયાની ફલાઈટ મુંબઈ એરપોર્ટ પર ઉતરી ત્યારે કપલને માત્ર વ્હીલચેર જ જોવા મળી હતી. આવી સ્થિતિમાં પતિએ તેની વૃદ્ધ પત્નીને તેના પર બેસાડી અને પોતે પણ તેની પાછળ આવવા લાગ્યો. પ્લેનથી ૧.૫ કિલોમીટરના અંતરે ટર્મિનલ આવેલા ઈમિગ્રેશન કાઉન્ટર સુધી વૃદ્ધને પગપાળા જ જવું પડ્યું હતું. કાઉન્ટર પર પહોંચ્યા બાદ વૃદ્ધાને ચક્કર આવ્યા અને હૃદયરોગના હુમલાથી મૃત્યુ પામ્યા. ઘટના બાદ વૃદ્ધને પણ નાણાવટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ તે પહેલા જ તેનું મોત થઈ ગયું હતું.
વ્હીલચેર ન મળવાને કારણે એક વૃદ્ધ વ્યક્તિના મૃત્યુના કિસ્સામાં, એવું બહાર આવ્યું છે કે મૃતક ભારતીય મૂળનો યુએસ-પાસપોર્ટ ધારક હતો. તેણે મુંબઈ જતી એર ઈન્ડિયાની ફલાઈટ એઆઇ-૧૧૬ની ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરી હતી. આ ફલાઈટ રવિવારે ન્યૂયોર્કથી રવાના થઈ હતી. ટ્રીપ બુક કરાવતી વખતે તેણે વ્હીલચેર માંગી હતી. એરપોર્ટના એક સૂત્રએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ફલાઇટમાં ૩૨ વ્હીલચેર મુસાફરો હતા, પરંતુ માત્ર ૧૫ને જ એટેન્ડન્ટ્સ સાથે વ્હીલચેર આપવામાં આવી હતી. એક સૂત્રએ જણાવ્યું કે ન્યૂયોર્ક-મુંબઈ ફલાઈટ સવારે ૧૧.૩૦ વાગ્યે લેન્ડ થવાની હતી, પરંતુ તે ૧૨ ફેબ્રુઆરીએ મોડી રાત્રે ૨.૧૦ વાગ્યે લેન્ડ થઈ હતી.
એર ઈન્ડિયાના પ્રવક્તાએ સ્પષ્ટતા કરી કે વ્હીલચેરની ભારે માંગને કારણે અમે પેસેન્જરને વ્હીલચેરની સહાય ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી રાહ જોવાની વિનંતી કરી હતી, પરંતુ તેણે તેના જીવનસાથી સાથે ચાલવાનું પસંદ કર્યું. તેને દુર્ભાગ્યપૂર્ણ ઘટના ગણાવતા એર ઇન્ડિયાએ કહ્યું કે તે શોકગ્રસ્ત પરિવારના સભ્યો સાથે સતત સંપર્કમાં છે અને જરૂરી સહાય પૂરી પાડી રહી છે. અમે ઘણીવાર જોયું છે કે વૃદ્ધ યુગલો તેમના જીવનસાથીથી અલગ થવામાં અને પ્લેનથી એરપોર્ટ ટમનલ સુધી એકલા મુસાફરી કરવામાં આરામદાયક નથી હોતા, એક ગ્રાઉન્ડ સ્ટાફે નામ ન આપવાની વિનંતી કરતા જણાવ્યું હતું. તેઓ સાથે ચાલવાનું પસંદ કરે છે.