નવીદિલ્હી, ગુજરાતીઓ માટે દારૂનું સેવન કરવું એ હંમેશને માટે એક રસપ્રદ વાત રહી છે. ડ્રાય સ્ટેટ ગુજરાતમાં પ્યાસીઓ પોતાની પ્યાસ બુજાવવા દીવ-દમણ કે પછી રાજસ્થાનના નજીકના કોઈ ટુરિસ્ટ ડેસ્ટિનેશનને પસંદ કરતાં હોય છે. અને અમુક તો ગેરકાયદેસર રીતે પણ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ’મેળ’કરીને પોતાની પ્યાસ બુજાવી લેતા હોય છે.
જો કે પાટનગર ગાંધીનગરના ગિફટ સિટીમાં કડક નિયમો સાથે દારૂબંધીમાં છૂટછાટ આપવામાં આવી છે ત્યારે તાજેતરમાં જ યોજેલા ૬૯માં ફિલ્મફેર એવોર્ડને લઈને સામાન્ય દિવસો કરતાં અધધધ દારૂ વહેંચાયો હતો. પરંતુ તાજેતરના એક રિપોર્ટમાં ભારતના એક શહેરે સૌને ચોંકાવી દીધા છે. આ શહેરમાં ૧૦ મહિનામાં કરોડો રૂપિયાનો દારૂ વહેંચાય ગયો છે.
એક રિપોર્ટ અનુસાર, નોઈડાના દિલ્હી એનસીઆરમાં માત્ર ૧૦ મહિનામાં લગભગ ૧૬૦૦ કરોડ રૂપિયાનો દારૂ વેચાયો છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે લગભગ ૨૫ ટકાનો વધારો થયો છે. નોઈડામાં દારૂનું વેચાણ વધવાને કારણે આવકમાં પણ વધારો થયો છે. આબકારી કમિશનરે આ સંબંધિત ડેટા પણ શેર કર્યો છે.
આ રીતે નોઈડા જિલ્લો ઉત્તર પ્રદેશના તમામ રાજયોમાં સૌથી વધુ દારૂની રેલમછેલ કરતું શહેર બની ગયું છે. ગૌતમ બુદ્ધ નગર જિલ્લા આબકારી અધિકારી સુબોધ કુમારે કહ્યું કે આ વર્ષે અમને ૨૦૨૩-૨૪માં ૨,૩૨૪ કરોડ રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો.
તમને જાણીને નવાઈ લાગશે કે છેલ્લા ૧૦ મહિનામાં નોઈડામાં એક કરોડ ૭૮ લાખ ૧૬ હજાર ૫૩ લીટર દેશી દારૂ અને એક કરોડ ૫ લાખ ૮૨ હજાર બોટલ અંગ્રેજી શરાબનું વેચાણ થયું છે યુપીનાં નોઈડા શહેર પણ અંગ્રેજી શરાબના વેચાણના મામલામાં પ્રથમ સ્થાને રહ્યું છે. ત્યારે, લગભગ ૩ કરોડ ૬૩ લાખ કેન બિયરનું વેચાણ થયું છે. આંકડામાં વધારો જોઈને આબકારી કમિશનરે ગૌતમ બુદ્ધ નગરના આબકારી અધિકારીનું સન્માનપત્ર આપી સન્માન કર્યું હતું.