સરકારે ક્રુડ પેટ્રોલિયમ પર વિન્ડફોલ ટેક્સ વધાર્યો, ખિસ્સા પર બોજો વધશે

નવીદિલ્હી, સરકારે ઘરેલુ સ્તર પર ઉત્પાદિત પેટ્રોલિયમ પર વિન્ડફોલ ટેક્સ ૧૦૦ રૂપિયા પ્રતિ ટન વધારી દીધો છે. શુક્રવારથી ક્રુડ ઓઈલ પર વિન્ડફોલ ટેક્સ ૩૨૦૦ રૂપિયા પ્રતિ ટનથી વધારીને ૩૩૦૦ રૂપિયા પ્રતિ ટન કરવામાં આવ્યો છે. આ ટેક્સ સ્પેશિયલ એડિશનલ એક્સાઈસ ડ્યૂટી SAED તરીકે લગાવવામાં આવે છે. એક ઓફિશિયલ નોટિફિકેશન મુજબ ડીઝલની નિકાસ ઉપર પણ એસએઇડીને પહેલા શૂન્યથી વધારીને ૧.૫૦ રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવ્યો છે.

નાણામંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ પેટ્રોલિયમ ક્રુડ પર વિન્ડફોલ ટેક્સ ૧૦૦ રૂપિયા વધારવામાં આવ્યો છે. જ્યારે પેટ્રોલ અને એટીએફ પર વધારાની ડ્યૂટી શૂન્ય રહેશે. ૧૬ ફેબ્રુઆરીથી ઓએનજીસી જેવી સરકારી ઓઈલ કંપનીઓએ ઘરેલુ ઉત્પાદિત ક્રૂડ ઓઈલ પર ૩૩૦૦ રૂપિયા પ્રતિ ટન સ્પેશિયલ એડિશનલ એક્સાઈઝ ડ્યૂટી સ્વરૂપે વિન્ડફોલ ટેક્સ ચૂકવવો પડશે. હાલમાં જ થયેલા ક્રુડ ઓઈલના ભાવમાં વધારાના પગલે સરકારે આ નિર્ણય લીધો છે. આ મહને સરકારે ઘરેલુ ક્રુડ ઓઈલના ઉત્પાદન પર સ્પેશિયલ એડિશનલ એક્સાઈઝ ડ્યૂટીને ૧૭૦૦ રૂપિયા પ્રતિ ટનથી વધારીને ૩૨૦૦ રૂપિયા પ્રતિ ટન કરી હતી. અત્રે જણાવવાનું કે સરકાર દર ૧૫ દિવસે વિન્ડફોલ ટેક્સની સમીક્ષા કરે છે. બજારમાં ચાલી રહેલી ઓઈલની કિંમતોને આધારે તેની સમીક્ષા કરાય છે.

ઓઈલ માર્કેટિંગ કંપનીઓના અનપેક્ષિત નફા પર સરકાર તરફથી વધારાનો ટેક્સ લગાવવામાં આવે છે. જેને વિન્ડફોલ ટેક્સ કહે છે. વિન્ડફોલ ટેક્સ એવી કંપનીઓ કે ઈન્ડસ્ટ્રીઝ પર લાગે છે જેને બદલાતી સ્થિતિમાં અચાનક ઘણો નફો થયો હોય. કેન્દ્ર સરકારે પહેલીવાર ૧ જુલાઈ ૨૦૨૨ના રોજ અનપેક્ષિત લાભ પર ટેક્સ લગાવ્યો હતો. ભારત ઉપરાંત અનેક દેશોમાં ઓઈલ/એનર્જી કંપનીઓ પર વિન્ડફોલ ટેક્સ લગાવવામાં આવે છે.