મણિપુરમાં ફરી ભડકી હિંસા: ૪૦૦ લોકોની બેકાબૂ ભીડે એસપી ડીસી ઓફિસમાં વાહનો ફૂંકી માર્યા, તોડફોડ કરી; ૨નાં મોત

ઈમ્ફાલ, મણિપુરના કુકી-જો જનજાતિનું પ્રભુત્વ ધરાવતા ચુરાચાંદપુર જિલ્લામાં એસપી ઓફિસ પર ગુરુવારે મોડી રાત્રે (૧૫ ફેબ્રુઆરી) રાત્રે હુમલો કરવામાં આવ્યો હતો. મણિપુર પોલીસના જણાવ્યા અનુસાર, ૩૦૦ થી ૪૦૦ લોકોના ટોળાએ એસપી સીસીપી ઓફિસ પર પથ્થરમારો કર્યો અને તેને આગ લગાવી દીધી. આરએએફ અને એસએફએ ભીડને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા હતા. સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

પોલીસે જણાવ્યું કે ચુરાચાંદપુર એસપીએ હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દીધા હતા, જેના વિરોધમાં આ હુમલો કરવામાં આવ્યો હતો. તેમજ, આ હુમલાને નજરેજાનારનું કહેવું છે કે આ ઘટનામાં ૨ પ્રદર્શનકારીઓના મોત થયા છે અને લગભગ ૨૫ લોકો ઘાયલ થયા છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે ૧૪ ફેબ્રુઆરીએ એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં સિયામલાલપોલ નામનો હેડ કોન્સ્ટેબલ હથિયારધારી લોકો સાથે જોવા મળ્યો હતો. તે શિસ્તબદ્ધ પોલીસ દળના સભ્ય હોવાને કારણે સિયામલપોલની આ કાર્યવાહી ખૂબ જ ગંભીર છે. ચુરાચાંદપુરના એસપી શિવાનંદ સુર્વેએ હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ કાર્યવાહી કરી અને આગામી આદેશ સુધી તેને સસ્પેન્ડ કરી દીધો. તેની સામે વિભાગીય તપાસ પણ થઈ શકે છે.

મણિપુરના ઈમ્ફાલ ઈસ્ટમાં મંગળવારે ફરી હિંસા ફાટી નીકળી હતી. ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને ૩ લોકો ઘાયલ થયા હતા. તોફાનીઓએ પેંગેઈમાં પોલીસ ટ્રેનિંગ સેન્ટર પર હુમલો કર્યો અને હથિયારો લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. આ સિવાય તેજપુર વિસ્તારમાં ઈન્ડિયા રિઝર્વ બટાલિયનની પોસ્ટ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. અહીં ૬ એકે-૪૭, ૪ કાર્બાઈન, ૩ રાઈફલ, ૨ એલએમજી અને કેટલાક ઓટોમેટિક હથિયારો પણ લૂંટાયા હતા. ફાયરિંગ, હુમલા અને હથિયારોની લૂંટના વીડિયો પણ સામે આવ્યા છે.

હિંસાના ડ્રોન ફૂટેજ સામે આવ્યા છે. જેમાં પહાડી પર હાજર લોકો તેમના ઘાયલ અને મૃત સાથીઓને લઈને જતા જોવા મળે છે. હિંસામાં મૃત્યુ પામેલા વ્યક્તિની ઓળખ ૨૫ વર્ષીય સગોલસેમ લોયા તરીકે થઈ છે. પોલીસે જણાવ્યું કે ઘાયલોમાં એકને પગમાં અને બીજાને ખભામાં ગોળી વાગી હતી. જોકે તેઓ જોખમની બહાર છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે ઘાયલ લોકો મૈતેઈ સમુદાયના છે કે કુકી.

જ્યારે શાંતિપુર ઈરીલ નદી પાસે ફાયરિંગ શરૂ થયું ત્યારે કેટલાક બાળકો ત્યાં ફૂટબોલ રમતા હતા. હથિયારબંધ લોકોએ તેમના પર પણ ગોળીબાર કર્યો હતો. ગભરાયેલા બાળકો પોતાનો જીવ બચાવવા ઝાડીઓમાં છુપાઈ ગયા હતા. આ દરમિયાન તેઓને ઈજા થઈ હતી. બાળકોનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તેમના પગમાં ઘા દેખાય છે. બાળકો રડે છે અને નજીકમાં ગોળીબાર સંભળાય છે. ખરેખરમાં, ઈમ્ફાલ ઈસ્ટના ખામેનલોકમાં જ્યાં આ ઘટના બની તે મૈતેઈ પ્રભુત્વ ધરાવતો વિસ્તાર છે. નજીકમાં કાંગપોકપી વિસ્તાર છે, જે કુકી પ્રભુત્વ ધરાવતો વિસ્તાર છે. અગાઉ પણ બે જૂથો વચ્ચે હિંસા થઈ છે.

૧૭ જાન્યુઆરીએ મણિપુરના થોબલ જિલ્લામાં પોલીસ હેડક્વાર્ટર પર તોફાનીઓએ હુમલો કર્યો હતો. બેકાબૂ ટોળાએ કરેલા ગોળીબારમાં ત્રણ જવાનો ઘાયલ થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર ટોળાએ પહેલા હેડક્વાર્ટરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે પોલીસે તેમને રોકવા માટે બળપ્રયોગ કર્યો તો કેટલાક તોફાનીઓએ ભીડમાંથી ગોળીબાર કર્યો હતો.

આ હુમલામાં ઘાયલ જવાનોની ઓળખ કોન્સ્ટેબલ ગૌરવ કુમાર, એએસઆઈ સોબરામ સિંહ અને એએસઆઈ રામજી તરીકે થઈ છે. ઘટના બાદ જિલ્લા પ્રશાસને થૌબલમાં કર્ફ્યુ લાદી દીધો હતો. જો કે, આરોગ્ય, મીડિયા સહિતની આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા લોકોને અને કોર્ટના કામ સાથે સંકળાયેલા લોકો સહિત એરપોર્ટ પર જતા લોકોને કર્ફ્યુમાંથી મુક્તિ આપવામાં આવી હતી.૩ મે, ૨૦૨૩થી રાજ્યમાં કુકી અને મૈતેઈ વચ્ચે ચાલી રહેલી જાતિ હિંસામાં ૨૦૦થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે ૧૧૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૬૫ હજારથી વધુ લોકો પોતાનું ઘર છોડી ચુક્યા છે. ૬ હજાર કેસ નોંધાયા છે અને ૧૪૪ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

.