તાલુકા મથક ગરબાડામાં બસ સ્ટેન્ડની સુવિધાના અભાવે સવા મહિના પહેલા ચાલુ થયેલ લાંબા રૂટ ની બે બસો બંધ કરાઈ

  • જામજોધપુર અને જામ ખંભાળિયા બંને બસોના ચાલકો પાસે ત્રણ દિવસની નોકરી બે દિવસમાં કરાવતી હતી 1200 કિ.મી નું અંતર અને ત્યારબાદ રહેવા સુવાની કોઈ સુવિધા નહીં

ગરબાડા, એસટી નિગમને રાજ્યમાં સૌથી વધુ ઇન્કમ દાહોદ જિલ્લામાં મળતી હોવાની વાતને નકારી શકાય તેમ નથી અને તેમાં પણ ગરબાડા તાલુકા માંથી સૌથી વધુ મુસાફરો મળતા હોય છે, તેમ છતાં પણ સૌથી વધુ આવક આપતી ગરબાડા તાલુકાની પ્રજાને આજે વર્ષોથી બસ સ્ટેન્ડની સુવિધાથી વંચિત રાખવામાં આવ્યા છે. ભાડાની વસુલાત પૂરી કરવામાં આવે છે, પરંતુ સુવિધા આપવામાં આંખ આડા કાન કરાય છે. ગરબાડામાં અંદાજિત સવા મહિના પહેલા જામજોધપુર અને જામ ખંભાળિયા એમ બે નવીન એક્સપ્રેસ કાઠીયાવાડની બસો ચાલુ કરવામાં આવી હતી. જે બંને બસો સવારમાં ગરબાડા આવી જતી હતી અને સાંજના પરત રીટર્ન થતી હતી, પરંતુ સ્થાનિકકક્ષાએ તાલુકા મથકના ગામમાં બસ સ્ટેન્ડની સુવિધા ન હોવાના કારણે ડ્રાઇવર-કંડકટરને રહેવા તેમજ સુવા માટેની અગવડતા પડતી હોય કેસનું જોખમ લઈને ગમે ત્યાં સૂવું પડતું હોય તેમજ 600 દુ ની 1200 કિલોમીટરના રૂટની ત્રણ દિવસની નોકરી બસના ચાલત પાસે માત્ર બે દિવસમાંં કરાતી હોવાના કારણે બંને બસો તારીખ 15 થી બંધ કરી દેવામાં આવી છે. જે બંને બસોને વિપુલ પ્રમાણમાં મુસાફરો મળી રહેતા હતા. ઉલ્લેખનીય છે કે, નેતાઓ દ્વારા માત્ર મોટા મોટા વાયદાઓ કરવામાં આવે છે.પરંતુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવતી નથી, તે કડવું સત્ય છે. જે જોતા વિકાસની વાતો હવા થઈ હોવાનું જોવા મળી રહ્યું છે. આ બંને બસોની નોકરી બે દિવસના બદલે ત્રણ દિવસની કરાઈ અને ફરીથી રાબેતા મુજબ આ બસો ચાલુ કરાવાય તેવી પ્રજાજનોની લાગણી અને માંગણી છે.