પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારીની ટીમ દ્વારા હાલોલના અરાદ ગામે ઘઉંનો બે નંબરનો સ્ટોક મળતા બે વેપારીના ગોડાઉન અને બંધ દુકાન સીલ

ગોધરા,હાલોલ નજીક વાઘોડિયા તાલુકાના પાલડી ગામે આવેલ શ્રીજી એગ્રો ઈન્ડસ્ટ્રીઝમાં ઠલવાતા ઘઉંના પુરવઠાની ચકાસણી અંગે ગત 07મી ફેબ્રુઆરીએ પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી, વાઘોડિયા મામલતદાર, તેમજ હાલોલ મામલતદારની ટીમોએ આકસ્મિક તપાસ હાથ ધરી હતી. જેમાં હાલોલ તાલુકાના કેટલાક વેપારીઓની દુકાનોના બીલો કબજે લીધા હતા.

હાલોલના મહેતા એન્ટરપ્રાઇઝ અને અરાદ ગામના આમીર ટ્રેડર્સ તથા અર્શ ટ્રેડર્સના બીલો મેળવી પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી તેમની ટીમ અને હાલોલ મામલતદારની ટીમે ગુરૂવારે આ વેપારીઓને ત્યાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી. તેમને વાઘોડિયા ના પાલડીમાં આવેલી શ્રીજી એન્ટરપ્રાઇઝ ને વેચેલા ઘઉં અંગે તપાસ કરતા અરાદ ગામે આવેલ આમીર ટ્રેડર્સના પ્રોપરાઇટર આશિક સત્તારભાઈ શેખ તેમજ અર્શ ટ્રેડર્સના પ્રોપરેટર વાહીદા આશિકભાઈ શેખના ધંધાના સ્થળે તપાસ કરવામાં આવી હતી. તપાસમાં તેઓ દ્વારા વેચાણ કરવામાં આવેલ ઘઉં કોની પાસેથી ખરીદેલા છે, તે અંગેના કોઈ પણ પ્રકારના બિલો કે સ્ટોક રજીસ્ટર રજૂ ન કરતા, તેમજ ભારત સરકારના પોર્ટલ ઉપર ઘઉંનો દર અઠવાડિયે જાહેર કરવાનો સ્ટોક અંગે કોઈ રજીસ્ટ્રેશન કરવામાં નહીં આવેલું જણાઈ આવતા ગંભીર પ્રકારની ગેરરીતી જોવા મળી હતી.

અરાદ ગામના આ એક જ પરિવાર દ્વારા અલગ અલગ નામે ચલાવવામાં આવતી બે દુકાનો હસ્તકના બે ગોડાઉનો સીલ કરવામાં આવ્યા હતા અને બંને વેપારીઓ સામે નિયમુનાસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જ્યારે પાલડી ખાતેની શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ માંથી હાલોલના પાવાગઢ રોડ ઉપર એસબીઆઈની સામે આવેલ મહેતા એન્ટરપ્રાઇઝના બિલો મળી આવેલ જેથી તપાસ કરતા દુકાન બંધ હાલતમાં હોઇ દુકાનને સરકારી સીલ મારી દેવામાં આવ્યું હતું. વેપારી મંથન મહેતા સામે આગળની નિયમાંનુસાર કાર્યવાહી જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા કરવામા આવી છે.

બંને વેપરીઓની દુકાનો અને ગોડાઉનોમાં હાલ કેટલો જથ્થો છે ? અને તેઓએ આ જથ્થો ક્યાંથી અને કોની પાસેથી મેળવ્યો ? આ જથ્થો શું ગરીબોને સરકારી સસ્તા અનાજની દુકાનમાંથી મળતા ઘઉંનો છે કે કેમ એ દિશામાં તપાસ હાથ ધરવામાં આવશે.