ખાનપુર તાલુકાની બાકોર તાલુકા પંચાયત કચેરીમાં ખુરશીમાં બેઠા બેઠા ચોકીદાર ઢળી પડ્યા
રાજ્યમાં હદય રોગના હુમલાની ઘટના વધી રહી છે. અને દિવસે ને દિવસે હાર્ટએટેકના બનાવો બની રહ્યા છે ત્યારે મહીસાગર જિલ્લામાં ફરીએકવાર આવી જ એક ઘટના સામે આવી છે જેમાં એક કચેરીના ચોકીદાર ખુરશીમાં બેઠા બેઠા જ અચાનક ઢળી પડ્યા હતા. અને ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું.
મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાની બાકોર તાલુકા પંચાયત કચેરીમાં ચોકીદાર તરીકે ફરજ બજાવતા ખાનપુર તાલુકાના કાનેશર ગામના વતની 49 વર્ષીય તરાલ રાયજીભાઈ માનાભાઈ આજે કચેરી ખાતે ખુરશીમાં બેઠા હતા તે સમયે અચાનક જ તેઓ આગળની તરફ ઝૂકી ગયા હતા જે બાદ તેઓ એકાએક ઢળી પડ્યા હતા. હાર્ટએટેકના કારણે મૃત્યુ થયું હોવાનું હાલ અનુમાન લગાવવા આવી રહ્યું છે. સમગ્ર બનાવ બનતા જ કચેરીમાં ઘેરા શોખની લાગણી પ્રસરી છે. બીજી તરફ પરિવારમાં પણ રાયસજીભાઈના મોતથી માતમ છવાયું છે. મળતી પ્રાથમિક માહિતી મુજબ તેઓ છેલ્લા કેટલાય વર્ષોથી તાલુકા પંચાયત કચેરી બાકોર ખાતે વોચમેન તરીકે ફરજ બજાવતા હતા. આજે અંદાજીત સવારે 8 વાગ્યાની આજુ બાજુ તેઓ ડ્યુટી દરમિયાન ખુરશીમાં બેઠા હતા તે સમયે અચાનક ઢળી પડ્યા હતા અને તેઓનું મોત નીપજ્યું છે. સમગ્ર બનાવ બનતા બાકોર પોલીસ સ્ટેશનના પીએસઆઇ સી.કે.સીસોદીયા પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળે પોહચી બનાવ અંગે તપાસ હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે બાકોર સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે.જ્યારે પોલીસે પ્રાથમિક તાપસ હાથ ધરી અકસ્માતે મોતનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
થોડા દિવસો આગાઉ મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના દલવાઈ સાવાલી ગામના વતની 56 વર્ષીય અશ્વિનભાઈ કિશોરભાઈ પટેલ જેઓ પોતાના પરિવાર સાથે થર્મલ ખાતે હતા. જ્યાં તેમને અચાનક તેમને હાર્ટ એટેકનો હુમલો આવ્યો હતો. જે બાદ તેઓને સારવાર માટે બાલાસિનોર લઈ જતા જ રસ્તામાં તેઓનું મોત નીપજ્યું હતું. જ્યારે પરિવારજનો અશ્વિનભાઈના મૃતદેહને લઈ તેમના વતન દલવાઈ સાવલી ખાતે લઈને આવ્યા હતા. જ્યાં તેમની 86 વર્ષીય માતા ધૂળીબેન પોતાના પુત્રના મૃતદેહને જોઈ તુરંત જ તેમને આઘાત લાગ્યો હતો. તેઓએ પણ થોડી જ મિનિટમાં પોતાના પ્રાણ ત્યાગ્યા હતા. ત્યારે થોડા દિવસો બાદ મહીસાગર જિલ્લામાં ફરીવાર આવી જ એક ઘટના બની છે.
તસવીર : વીરભદ્ર સિંહ સિસોદીયા. મલેકપુર