ભાજપના મંત્રી અશ્વિની વૈષ્ણવનું રાજ્યસભામાં જવું મુશ્કેલ થશે ?

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે રાજ્યસભા માટે ઉમેદવારી પત્ર ભર્યું છે. બીજેપીએ એક દિવસ પહેલા જ ઓડિશામાંથી રાજ્યસભાના ઉમેદવાર માટે અશ્વિની વૈષ્ણવ નામનું એલાન કર્યુ હતું. બીજી તરફ બીજદ એ તેમને પોતાનું સમર્થન આપ્યુ હતું. 

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે એટલે કે, આજે સવારે લગભગ 11:00 વાગ્યે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. અશ્વિની વૈષ્ણવે ઉમેદવારી પત્ર ભર્યું તે સમયે ભાજપના વરિષ્ઠ નેતા હાજર રહ્યા હતા. જોકે, આ દરમિયાન બીજદનો કોઈ નેતા હાજર નહોતો રહ્યો.

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે પ્રદેશ ભાજપ કાર્યાલયથી સીધા વિધાનસભા પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ ચૂંટણી અધિકારી અવનીકાંત પટનાયકના રૂમમાં ગયા હતા. તેમની સાથે ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનમોહન સામલ, મોહન માઝી, ધારાસભ્ય નૌરી નાયક, નવ માંઝી અને ધારાસભ્ય કુસુમ ટેટે પણ હતા.

ભાજપના તમામ નેતાઓની હાજરીમાં અશ્વિની વૈષ્ણવે 10 પ્રસ્તાવકોની હાજરીમાં ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારીના બે સેટ દાખલ કર્યા હતા.

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ઓડિશાથી ત્રીજા ઉમેદવાર તરીકે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું છે. અશ્વિની વૈષ્ણવની ઉમેદવારીને બીજદ એ સમર્થન કર્યું હોવા છતાં ઉમેદવારી પત્ર ભરતી વખતે પાર્ટીનો એક પણ નેતા હાજર નહોતો રહ્યો.

ઉમેદવારી પત્ર ભર્યા બાદ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે ફરી એક વખત રાજ્યસભામાં મોકલવા અને લોકોની સેવા કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ દ્વારા મને જે તક આપી છે તેના માટે દરેકનો આભાર માનું છું.

મહાપ્રભુ જગન્નાથજીને પ્રાર્થના કરું છું કે મને સેવાની ભાવના સાથે કામ કરવાની શક્તિ આપે. વડાપ્રધાને દેશને વિકસિત કરવાનું જે સપનું જોયુ છે તે સપનું સાકાર કરવા માટે ગુંડિચિ મૂસાની જેમ હું પણ મારી ભૂમિકા નિભાવી શકું. હું તેના સતત પ્રયત્નો કરતો રહીશ.