વિધાનસભાની પ્રશ્નોતરી: સિંચાઈ માટે છેલ્લા બે વર્ષમાં વીજળી ખરીદવા ફિક્સ કોસ્ટ પેટે રૂ. ૨૯ હજાર કરોડની રકમ ચૂકવાઇ

ગાંધીનગર,ગુજરાતમાં ૨૪,૦૦૦ મેગાવોટની જરૂરિયાત સામે ૫,૦૦૦ મેગાવોટ વીજળી ઉત્પાદન થાય છે. નાગરિકો, ખેડૂતો, ઉદ્યોગોને પૂરતા પ્રમાણમાં વીજળીની સુવિધા મળી રહે તેવા હેતુથી તા. ૩૧-૧૨- ૦૨૩ની સ્થિતિએ ગુજરાત સરકાર દ્વારા કુલ ૧૫ કંપનીઓને ફિક્સ કોસ્ટ પેટે વર્ષ ૨૦૨૨માં રૂ.૧૪,૦૫૮ કરોડ તેમજ વર્ષ ૨૦૨૩(પ્રોવિઝનલ)માં ૧૫,૦૬૫ કરોડ એમ કુલ રૂ. ૨૯,૧૨૩ કરોડની રકમ ચૂકવાઇ છે તેમ,ધારાસભ્ય શ્રી દ્વારા ગૃહમાં પૂછાયેલા પ્રશ્ર્નનો ઉત્તર આપતા ઊર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ જણાવ્યું હતું.

રાજ્યના ખેડૂતોને સિંચાઈ માટે દિવસે વીજળી મળે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે તેમ જણાવી ઊર્જા મંત્રી દેસાઈએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, ખાનગી કંપનીઓ પાસેથી વીજળી મેરીટ ઓર્ડરના ધોરણે ખરીદવામાં આવે છે. આ ઉપરાંત બિન પરંપરાગત ઊર્જા ઉત્પાદનમાં ગુજરાત અગ્રેસર છે જેમાં સીધો લાભ રાજ્યના નાગરિકો- ખેડૂતોને થઈ રહ્યો છે. તેમણે વીજળી ખરીદી કર્યા વિના ફિક્સ કોસ્ટ પેટે રકમ ચૂકવવાના કારણો આપતા ગૃહમાં કહ્યું હતું કે, વીજ કંપનીઓને કરવામાં આવતી ચૂકવણી નેશનલ ટેરીફ પોલીસી, વીજ નિયમન આયોગના નિર્દેશ અને વીજ ખરીદ કરારની જોગવાઈ મુજબ થર્મલ વીજ ઉત્પાદકોને વીજ ખરીદ કિંમત પેટે ફિક્સ કોસ્ટ ચૂકવવામાં આવતી હોય છે. ફિક્સ કોસ્ટ એટલે કે ઓપરેશન અને મેન્ટેનન્સ પેટે તથા વીજ માંગની જરૂરીયાતને પહોંચી વળવા માટે ત્વરીતે પ્લાન્ટ ઉપલબ્ધ રહે તે પેટે ચુકવવાની થતી કોસ્ટ. જયારે વીજ મથક વીજ ઉત્પાદન માટેની તેની ઉપલબ્ધતા જાહેર કરે ત્યારે તેમાંથી વીજ ઉત્પાદન મેળવવામાં આવે કે ના આવે, આ ઉપલબ્ધતા માટે તેને વીજ ખરીદીના કરારની શરતો મુજબ ફિક્સ કોસ્ટ ચૂકવવાપાત્ર બને છે. વધુમાં,જયારે વીજ ઉત્પાદન માટે પ્લાન્ટ ઉપલબ્ધ ન થઈ શકે તેવા સંજોગોમાં કરારની શરતો મુજબ પેનલ્ટી પણ વસુલવામાં આવતી હોય છે તેમ,ઊર્જા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.