માલદીવની મુહમ્મદ મોઈજ્જુ સરકાર ૪૩ ભારતીયોને દેશનિકાલ કરશે

માલદીવ, માલદીવ સરકાર ૪૩ ભારતીય નાગરિકોને દેશનિકાલ કરી રહી છે. ભારત ઉપરાંત અન્ય ઘણા દેશોના નાગરિકોને પણ માલદીવમાંથી બહાર મોકલવામાં આવી રહ્યા છે. આ તમામ લોકો પર અલગ-અલગ ગુના કરવાનો આરોપ છે. માલદીવના સ્થાનિક મીડિયા અનુસાર, મોઈજ્જુ સરકારે ૧૨ દેશોના કુલ ૧૮૬ નાગરિકોને દેશની બહાર મોકલવાનો નિર્ણય કર્યો છે.

જે લોકોને માલદીવમાંથી દેશનિકાલ કરવામાં આવી રહ્યા છે તેમાં સૌથી વધુ ૮૩ નાગરિકો બાંગ્લાદેશના છે. ભારત આ યાદીમાં ૪૩ નાગરિકો સાથે બીજા સ્થાને છે. નાગરિકોની સંખ્યાના આધારે શ્રીલંકા ત્રીજા સ્થાને અને નેપાળ ચોથા સ્થાને છે. આ નાગરિકોએ ક્યાં સુધી દેશ છોડવો પડશે? તેના અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.

માલદીવના ગૃહ મંત્રાલયે થોડા દિવસો પહેલા કહ્યું હતું કે ગેરકાયદેસર વેપાર બંધ કરવામાં આવશે. આવા ધંધામાંથી આવતા પૈસા વિદેશમાં જમા કરાવવામાં આવે છે. નાણા મંત્રાલય આવા ગેરકાયદેસર ધંધા પર અંકુશ લગાવશે. આ સમય દરમિયાન, જે વ્યવસાયો અન્ય કોઈની માલિકીના છે પરંતુ વિદેશી નાગરિકો દ્વારા ચલાવવામાં આવે છે, તેના પર પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

મોહમ્મદ મોઈજ્જુ ગયા વર્ષે માલદીવના રાષ્ટ્રપતિ બન્યા હતા. સત્તામાં આવતાની સાથે જ તેમણે ૮૮ ભારતીય સૈનિકોને દેશમાંથી હાંકી કાઢવાનો નિર્ણય જાહેર કર્યો હતો. વાતચીત બાદ આ માટે ૧૦ મેની તારીખ નક્કી કરવામાં આવી છે. મોઈજ્જુના આ નિર્ણય બાદ બંને દેશો વચ્ચેના સંબંધો સતત બગડી રહ્યા છે. ભારતમાં પણ માલદીવનો બહિષ્કાર કરવા માટે સોશિયલ મીડિયા પર અભિયાન ચલાવવામાં આવ્યું હતું. હવે બંને દેશો વચ્ચેની સ્થિતિ સુધરતી જણાતી નથી. અગાઉ ૨૦૨૧ માં, અબ્દુલ્લા યામીનના નેતૃત્વમાં માલદીવમાં ઇન્ડિયા આઉટ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન લોકોએ પોતાના ઘરની બહાર ભારત વિરુદ્ધ સૂત્રો લખ્યા હતા.