પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દોહા પહોંચ્યા: પ્રધાનમંત્રી શેખ મોહમ્મદ બિન અબ્દુલરહેમાન અલ થાની સાથે મોદીએ બેઠક કરી

  • મોદી ક્તાર પહોંચતા ક્તારના વિદેશ રાજ્ય મંત્રી સુલતાન બિન સાદ અલ-મુરૈખીએ એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું

દોહા,યુએઈનો પ્રવાસ પૂરો કરીને પીએમ નરેન્દ્ર મોદી ક્તાર પહોંચી ગયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે રાતે બે દિવસના ક્તાર પ્રવાસ અંતર્ગત રાજધાની દોહા પહોંચ્યા. દોહા પહોંચ્યા બાદ તેમણે ક્તારના પ્રધાનમંત્રી શેખ મોહમ્મદ બિન અબ્દુલરહેમાન અલ થાની સાથે બેઠક કરી. બેઠક બાદ જેમાં દ્વિપક્ષીય સંબંધોની સાથે સાથે ક્ષેત્રીય અને વૈશ્ર્વિક મુદ્દાઓ પર વાતચીત કરાઇ હતી

વર્ષ ૨૦૧૪માં પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદીનો આ બીજો ક્તાર પ્રવાસ છે. અત્રે જણાવવાનું કે તેમણે પહેલીવાર ક્તારનો પ્રવાસ જૂન ૨૦૧૬માં કર્યો હતો. વિદશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે પીએમ મોદીનો આ પ્રવાસ ક્તાર સાથે ઐતિહાસિક અને ગાઢ સંબંધોને પ્રોત્સાહન આપશે. નોંધનીય છે કે પીએમ મોદીનો આ પ્રવાસ એવા સમયે થયો છે જ્યારે હાલમાં જ ક્તારની સરકારે આઠ પૂર્વ ભારતીય નેવી અધિકારીઓની ફાંસીની સજા માફ કરીને તેમને ભારત આવવાની મંજૂરી આપી દીધી.

છેલ્લા ૧૮ મહિનાથી આઠ પૂર્વ નૌસૈનિકો ક્તારની જેલમાં જાસૂસીના આરોપમાં બંધ હતા જેમનો હાલમાં જ છૂટકારો થયો અને તેમાંથી ૭ ભારત પરત પણ ફર્યા. જે ભારતની ખુબ મોટી કૂટનીતિક જીત ગણવામાં આવી રહી છે. ઓગસ્ટ ૨૦૨૨માં ક્તારની ગુપ્તચર એજન્સીએ કથિત જાસૂસી મામલામાં દોહામાંથી આઠ ભારતીય નાગરિકોની ધરપકડ કરી હતી જે એક ખાનગી કંપનીમાં કામ કરતા હતા. તેમને મોતની સજા થઈ હતી. નવેમ્બર ૨૦૨૩માં ભારત સરકારે ક્તારની એક ઉચ્ચ અદાલતમાં મોતની સજા વિરુદ્ધ અપીલ દાખલ કરી હતી. કૂટનીતિક સ્તરે પણ ભરપૂર પ્રયત્નો થયા. ત્યારબાદ ક્તારની કોર્ટે ભારતીયોની મોતની સજાને પલટી નાખી. કોર્ટે મોટની સજા ઘટાડીને જેલની સજા કરી હતી. ત્યારબાદ સજા માફી થઈ અને નાગરિકો ભારત આવી શક્યા.

આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્તાર પહોંચતા ક્તારના વિદેશ રાજ્ય મંત્રી સુલતાન બિન સાદ અલ-મુરૈખીએ એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું. આ પછી ભારતીય સમુદાયે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા અને ઉષ્માભર્યું સ્વાગત કર્યું.પીએમ મોદીએ ટ્વિટ કરીને લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. “દોહામાં સ્વાગત! હું ભારતીય લોકોનો આભારી છું. ૨૦૧૪ બાદ વડાપ્રધાન તરીકે મોદીની ક્તારની આ બીજી મુલાકાત છે.

આ દરમિયાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ટ્વિટ કરીને માહિતી આપી હતી કે, ભારત-ક્તાર ભાગીદારીને આગળ વધારતા પીએમ મોદીએ દોહામાં ક્તારના વડા પ્રધાન અને વિદેશ પ્રધાન એચએચ મુહમ્મદ બિન અબ્દુલ રહેમાન સાથે અર્થપૂર્ણ બેઠક કરી હતી. ચર્ચામાં વેપાર અને રોકાણ, ઉર્જા અને નાણા જેવા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ વધારવા પર ચર્ચા થઈ હતી.

તમને જણાવી દઈએ કે મોદી સંયુક્ત આરબ અમીરાતની બે દિવસની મુલાકાત બાદ દોહા પહોંચ્યા હતા, જ્યાં તેમણે વિદેશી ભારતીય સમુદાયની એક ઈવેન્ટ વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટને સંબોધિત કરી હતી અને યુએઈના પહેલા હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. મંગળવારે નવી દિલ્હી છોડતાં પહેલા, વડા પ્રધાન મોદીએ એક નિવેદનમાં કહ્યું હતું કે, તેઓ અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાનીને મળવા માટે ઉત્સુક છે, જેમના નેતૃત્વમાં ક્તાર જબરદસ્ત વિકાસ અને પરિવર્તનનું સાક્ષી છે.