સાબરકાંઠાના પ્રાંતિજમાં જૂથ અથડામણમાં એકનું મોત, ૩૦ના ટોળા સામે હત્યાનો ગુનો નોંધાયો

હિંમતનગર,સાબરકાંઠાના પ્રાંતિજમાં જૂથ અથડામણ થઇ હતી જેમાં એકનું મોત થયું છે. મળતી જાણકારી અનુસાર, પ્રાંતિજના ખોડિયાર કુવા અને માઢ વિસ્તારમાં રૂપિયાની લેતીદેતીમાં બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. સ્ટ્રીટ લાઈટો બંધ કરી બે જૂથોએ સામસામે પથ્થરમારો કર્યો હતો. આ જૂથ અથડામણમાં રાજુ રાઠોડ નામના વ્યક્તિનું મોત થયું હતુ. ઘટનાની જાણ થતા પ્રાંતિજ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

મળતી માહિતી અનુસાર, રૂપિયાની લેતીદેતીમાં બે જૂથ વચ્ચે અથડામણ થયાની આશંકા છે. બોલાચાલી બાદ ટોળાએ સામસામે પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારામાં કેટલાક વાહનોને પણ નુક્સાન પહોંચ્યુ હતું. લોખંડની પાઈપથી હુમલો થતા રાજુ રાઠોડનું મોત થયું હતું. રાજુભાઈ કાંતિભાઇ રાઠોડને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ૧૭ સહીત ૩૦ ના ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.

આરોપ છે કે સ્ટ્રિટ લાઈટો બંધ કરી હુમલો કરાયો હતો. આ અથડામણમાં ત્રણ વ્યક્તિઓને ઇજાઓ પહોંચી છે. બનાવની જાણ થતા વિશ્ર્વ હિન્દુ પરિષદ સાબરકાંઠા સહિત બજરંગ દળના કાર્યર્ક્તાઓ પણ પ્રાંતિજ ખાતે દોડી આવ્યા હતા. સાથે જ પોલીસનો મોટો કાફલો વિસ્તારમાં ખડકવામાં આવ્યો છે. પ્રાંતિજ પોલીસે આરોપીઓને ઝડપવાની કાર્યવાહી શરૂ કરી હતી.