લગ્નનો માહોલ શોકમાં પલટાયો : પોતાના લગ્નની ખરીદી માટે નીકળેલા યુવકને ટેમ્પાએ કચડ્યો

ભાવનગર, ભાવનગરના જ્વેલ્સ સર્કલ પર મહાકાળ ટેમ્પા નીચે કચડાઈ જતા એક યુવકનું કમકમાટીભર્યુ મોત નિપજ્યુ હતું. યુવાન લગ્નની ખરીદી કરી ઘરે જઈ રહ્યો હતો ત્યારે કાળ આંબી ગયો હતો. પરિવારે સપનામાં પણ વિચાર્યું નહિ હોય કે ૨૫ દિવસ બાદ જે વ્હાલસોયાના લગ્ન લેવાયા હતા, ત્યાં હવે માતમ છવાશે. લગ્નના ૨૧ દિવસ પહેલા જ્વેલ્સ સર્કલે અકસ્માતમાં યુવાનનું મોત નિપજ્યુ હતું.

ભાવનગરના જવેલ્સ સર્કલ પાસે છકડો અને એક્ટિવા બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. લોખંડના ભારેખમ સળિયા ગેરકાયદે લઈ જતા છકડાએ પૂરપાટ ઝડપે લઈ જતા સમયે એક્ટિવા બાઇકને અડફેટે લીધું હતું. જેમાં લોખંડના ભારેખમ સળિયા માથે પડતા એક્ટિવા ચાલકને ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માત થતા લોકોના ટોળેટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા, પરંતુ માનવતા મરીપરવારી હોય તેમ લોકો ઇજાગ્રસ્તને નીહાળવામાં મશગુલ જોવા મળ્યા હતા. ત્યારે એક મીડિયાકર્મી દ્વારા ૧૦૮ ને કોલ કરી માહિતી આપતા ૧૦૮ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.ઇજાગ્રસ્તને યુવકને તાત્કાલિક ૧૦૮ દ્વારા ગંભીર હાલતે સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમ્યાન ઈજાગ્રસ્ત એક્ટિવા ચાલકનું મોત નીપજ્યું હતું. યુવકના મોતની જાણ થતા જ તેનો પરિવાર હોસ્પિટલમાં દોડી આવ્યો હતો. પરિવારે દીકરાના મોત પર ભારે આક્રંદ મચાવ્યો હતો.

જોકે, મૃતક યુવકનું નામ સુમિત ઉર્ફે સામત બાબરિયા છે. તે ભાવનગરના બોર તળાવ વિસ્તારમાં આવેલ ધોબી સોસાયટીમાં પરિવાર સાથે રહેતો. આગામી ૬ માર્ચના રોજ સુમિતના લગ્ન લેવાયા હતા. રત્નકલાકારનું કામ કરતા સુમિતના આગામી મહિને લગ્ન હોઈ તે લગ્નની વસ્તુ લઈ પોતાના ઘરે જઈ રહ્યો હતો ,ત્યારે ટેમ્પાની સાથે અકસ્માત થતા મોત નિપજ્યુ હતું. સુમિત પર લોખંડના વજનદાર સળિયા પડતા તે તેની નીચે ચગદાઈ ગયો હતો.