પણજી, આગામી લોક્સભા ચૂંટણી પહેલા બીજેપીનું કુળ મજબૂત બની રહ્યું છે, ત્યારે વિપક્ષી સહયોગી ભારત (ઇન્ડિયા) ગઠબંધન સતત આંચકાઓનો સામનો કરી રહ્યું છે. સ્થિતિ એવી છે કે એકજૂથ થઈને ચૂંટણી લડવા માટે એક્સાથે આવેલા વિપક્ષી પક્ષોના ગઠબંધન વચ્ચે મતભેદો સામે આવી રહ્યા છે. આ અંગે ભાજપે જોરદાર પ્રહારો કર્યા છે. ભાજપના નેતા અને ગોવાના પર્યટન મંત્રી રોહન ખૌંટેએ પણ કોંગ્રેસ અને તેના સાથી પક્ષોને આડે હાથ લેતા કહ્યું કે ભારત ગઠબંધન ટૂંક સમયમાં ’ખૂબ’ થશે અને તેના નેતાએ એકલા ચાલવું પડશે.
ઉત્તર ગોવામાં પાર્ટીની બેઠકમાં ખાંટેએ વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી લોક્સભા ચૂંટણીમાં ભાજપ ૪૦૦થી વધુ બેઠકો જીતશે. તેમણે કહ્યું, મેં ચાર મહિના પહેલા કહ્યું હતું કે ભારત ટૂંક સમયમાં ખતમ થઈ જશે. એવું જ થયું છે. એક પછી એક ગઠબંધન ભાગીદારો ગઠબંધન છોડી રહ્યા છે. ફેબ્રુઆરી છે અને માર્ચ સુધી રાહુલ ગાંધીએ એકલા ચાલવું પડશે. ગોવાના ઇન્ડિયા ગઠબંધનમાં સમાવિષ્ટ રાજકીય પક્ષો વિશે, ખૌંટેએ કહ્યું કે તેઓ બધા સીટ વહેંચણી અંગે પોતાના નિર્ણયો લઈ રહ્યા છે.
તેમણે કહ્યું, એક પક્ષ (આપ)એ દક્ષિણ ગોવાની બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે, પરંતુ બીજી પાર્ટી (કોંગ્રેસ) કહી રહી છે કે તેને કોઈ બેઠક વહેંચણી સમજૂતીની જાણ નથી. વિપક્ષ પાસે દેશ માટે કોઈ યોજના નથી. કોઈ એજન્ડા નથી, તેમનો એકમાત્ર એજન્ડા આપણા વડાપ્રધાનને પદ પરથી હટાવવાનો છે, પરંતુ વિપક્ષ આમાં સફળ નહીં થાય કારણ કે દેશ ભાજપ અને નરેન્દ્ર મોદીની સાથે છે.