ગુજરાતમાં ભાજપ ભારે બહુમતી સાથે જીતશે: ભુપેન્દ્રભાઈ જ ફરી મુખ્યમંત્રી બનશે: અમીત શાહ

રાજયમાં આ વર્ષના અંત પુર્વે યોજાનારી ચૂંટણી પુર્વે કેન્દ્રીય ગૃહમંત્રીનો સ્પષ્ટ સંકેત: સંબોધનમાં મુખ્યમંત્રી અને તેની ટીમના ભારોભાર વખાણ કર્યા

ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલ સરકારને એક વર્ષ પુરુ થયુ તે સમયે યોજાનારા વિકાસથી વિશ્ર્વાસ કાર્યક્રમમાં આજે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમીત શાહે આગામી ધારાસભા ચૂંટણી વર્તમાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના જ નેતૃત્વમાં લડાશે અને ભાજપ 2/3 બહુમતી સાથે ફરી સતા પર આવશે અને આ ભવ્ય વિજય બાદ રાજયમાં ફરી ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર રચાશે તેવો સ્પષ્ટ સંકેત આપીને કેન્દ્રીય ગૃહમંત્રીએ આજે વિપક્ષથી લઈને અખબારો તમામને આકરા ટોણા માર્યા હતા. શાહે જણાવ્યું

કે વર્ષના અંતમાં રાજયની યોજાનાર ચૂંટણીમાં એક તરફ ભુપેન્દ્ર પટેલની સરકારની ભરપુર પ્રશંસા કરી હતી તો બીજી તરફ એ પણ જણાવ્યું કે આ નવી ટીમ સામે જેઓએ પ્રશ્ર્ન ઉઠાવ્યા હતા તેમને એક વર્ષના ટુંકાગાળામાં જ નકકર જવાબ આપી દેવાયા છે. મહાત્મા ગાંધી મંદિર ખાતે યોજાયેલ આ કાર્યક્રમમા કેન્દ્રીય ગૃહમંત્રી વર્ચ્યુલ પ્રવચન કર્યુ હતું અને જણાવ્યું હતું કે એક વર્ષના શાસનમાં ગુજરાતમાં આતંકવાદની એકપણ ઘટના બની નથી. તેઓએ જણાવ્યું હતું કે એક સમયે કોંગ્રેસના શાસનમાં કર્ફયુ અને રમખાણો એ ગુજરાતની સૌથી મોટી પીડા હતી પરંતુ આજે ગુજરાત શાંત અને સમૃદ્ધ બની રહ્યું છે.

મુખ્યમંત્રીએ આનંદીબેન અને વિજયભાઈને યાદ કર્યા
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આજના કાર્યક્રમમાં તેમની સરકારની સિદ્ધિઓ સાથે તેમના બે પુરોગામી મુખ્યમંત્રી આનંદીબેન પટેલ તથા વિજયભાઈ રૂપાણીનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે હું ભારતીય જનતા પાર્ટીના સૈનિક તરીકે કામ કરી રહ્યો છું તેમાં અગાઉની સરકારને પણ યશ આપી શકાય.

ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના ભારોભાર વખાણ કર્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે આજે ગૃહ વિભાગનો હવાલો સંભાળતા હર્ષ સંઘવીએ છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં નાર્કોટીક અને નશાકારી દ્રવ્યોનો કારોબાર તોડી પાડયો છે અને અસામાજીક તત્વોને પણ પકડીને જેલમાં નાંખી દીધા છે તે ઉલ્લેખ કરતા હર્ષ સંઘવીની કામગીરીના ભારોભાર વખાણ કર્યા હતા.

ભુપેન્દ્રભાઈએ મોઢે તાળુ માર્યા વિના તમામના મોં સીવી લીધા છે: અમીત શાહ
અમિતભાઈના વિધાન પર જબરી તાળીઓ પડી
આજે મહાત્મા ગાંધી મંદિરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત ભાજપના મેન્ટર તરીકે કરેલું પ્રવચન સૂચક છે. તેઓએ જણાવ્યું કે એક વર્ષના શાસનમાં ભુપેન્દ્રભાઈ પટેલે મૌન રહીને પણ નકકર જવાબો મીડીયાને આપ્યા છે. એક વર્ષ પહેલા ભુપેન્દ્રભાઈ પટેલની નિમણુંક કરવામાં આવી ત્યારે કેટલાક અખબારોએ ભુપેન્દ્રભાઈ અને તેની ટીમ સામે પ્રશ્ર્ન ઉઠાવ્યા હતા. પરંતુ ભુપેન્દ્રભાઈએ કોઈના મોઢાને તાળા માર્યા વગર તમામના મોઢા સીવી લીધા છે. તેમના આ નિવેદન પર તાળીઓ પડી હતી.