અબુધાબી, સીબીએસઈની નવી ઓફિસ ટૂંક સમયમાં દુબઈમાં ખોલવામાં આવશે.સીબીએસઇમાં સારું શિક્ષણ પ્રદાન કરવાની તેમની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્તા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ જાહેરાત કરી છે.વડાપ્રધાને જાહેરાત કરી કે દુબઈમાં ટૂંક સમયમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઇ)ની નવી ઓફિસની સ્થાપના કરવામાં આવશે. અબુ ધાબીમાં ‘અહલાન મોદી’ પ્રવાસી કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ શિક્ષણ ક્ષેત્રે મહત્વની સિદ્ધિઓ વિશે વાત કરી છે.
શિક્ષણ ક્ષેત્રે મહત્વની સિદ્ધિઓ પર પ્રકાશ પાડતાં પીએમ મોદીએ કહ્યું કે,સીબીએસઇની શાળાઓમાં ૧.૫ લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ગયા મહિને અહીં આઇઆઇટી દિલ્હીના અબુ ધાબી કેમ્પસમાં માસ્ટર ડિગ્રી કોર્સ શરૂ કરવામાં આવ્યો હતો અને ટૂંક સમયમાં દુબઈમાં નવી સીબીએસઇ ઑફિસ ખોલવામાં આવશે. આ સંસ્થાઓ અહીંના ભારતીય સમુદાયને શ્રેષ્ઠ શિક્ષણ આપવામાં મદદરૂપ સાબિત થશે.
બંને દેશો વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાને ગાઢ ભાષાકીય સંબંધોની પ્રશંસા કરી હતી અને ભારત-યુએઈની સિદ્ધિઓને વિશ્ર્વ માટે ઉદાહરણ તરીકે ગણાવી હતી. ભારત અને યુએઈની સિદ્ધિઓ વિશ્ર્વ માટે એક મોડેલ તરીકે સેવા આપે છે, એમ વડા પ્રધાને જણાવ્યું હતું. ભારત અને યુએઈની ભાષાઓ વચ્ચે પણ નિકટતા છે. ૨૦૧૫માં તેમની પ્રથમ મુલાકાતને યાદ કરતાં તેમણે જણાવ્યું કે, કેવી રીતે તેમનું ક્રાઉન પ્રિન્સ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. જે હવે રાષ્ટ્રપતિ છે.
તેમણે કહ્યું કે, મને સ્પષ્ટપણે યાદ છે કે વડાપ્રધાન પદ સંભાળ્યાના થોડાં સમય બાદ ૨૦૧૫માં મારી પ્રથમ યુએઈ મુલાકાત હતી. ત્રણ દાયકામાં ભારતીય વડાપ્રધાન દ્વારા યુએઈની આ પ્રથમ મુલાકાત હતી. મને યાદ છે કે ક્રાઉન પ્રિન્સનું તેમના પાંચ ભાઈઓ સાથે એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું હતું. તે પ્રવાસ દરમિયાન મને એવું લાગ્યું કે જાણે હું મારા પરિવારમાં પાછો આવ્યો છું.