જો પુતિન ક્રેન યુદ્ધમાંથી પીછેહઠ કરશે, તો તે ’મારવામાં આવશે’, એલોન મસ્કનો દાવો

મોસ્કો, રશિયા-યુક્રેન યુદ્ધને હવે લગભગ બે વર્ષ થઈ ગયા છે. આ દરમિયાન, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો તાજેતરનો એક ઇન્ટરવ્યુ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે રશિયા હવે યુક્રેનના યુદ્ધમાંથી પાછળ નહીં હટી શકે. તાજેતરમાં, ટેસ્લા અને સ્પેસએક્સ જેવી કંપનીઓના માલિક ઇલોન મસ્કએ પણ અમેરિકન ધારાશાીઓની સામે આ જ વાત કહી. મસ્કે કહ્યું કે વ્લાદિમીર પુતિન યુક્રેનમાં યુદ્ધ હારી જાય તેવી કોઈ શક્યતા નથી.

વિશ્ર્વના બીજા સૌથી અમીર વ્યક્તિએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ’એકસ પર આ દાવો કર્યો છે. તેમની સાથે કેટલાક સેનેટરો પણ સામેલ હતા, જેઓ રશિયા સામે યુક્રેનને આથક મદદ આપવાનો નિર્ણય સાચો હતો કે ખોટો તે અંગે ચર્ચા કરી રહ્યા હતા. ચર્ચામાં ભાગ લેનારા ધારાસભ્યોમાં વિસ્કોન્સિનના રોન જોહ્ન્સન, ઓહિયોના જેડી વેન્સ, ઉટાહના માઈક લી ઉપરાંત વિવેક રામાસ્વામી અને ક્રાટ વેન્ચર્સના સહ-સ્થાપક ડેવિડ સૅક્સનો સમાવેશ થાય છે.

આ ચર્ચા દરમિયાન રોન જોન્સને કહ્યું કે જે લોકો રશિયા સામે યુક્રેનની જીતની આશા રાખી રહ્યા છે તેઓ વાસ્તવમાં સપનાની દુનિયામાં જીવી રહ્યા છે. મસ્ક આ માટે સહમત થયા અને કહ્યું કે પુતિન યુક્રેનમાં હારી શકે નહીં. તેમણે કહ્યું કે તેમને આશા છે કે યુક્રેનની મદદ માટે અમેરિકી સંસદમાં લાવવામાં આવેલા બિલ અંગે અમેરિકન નાગરિકો તેમના પ્રતિનિધિઓનો સંપર્ક કરશે. યુક્રેનને આ ખર્ચમાંથી કોઈ મદદ મળશે નહીં. યુદ્ધમાં વધારો કરવાથી યુક્રેનને કોઈ ફાયદો થશે નહીં.

મસ્કે કહ્યું કે પુતિન પર પહેલેથી જ યુક્રેનમાં યુદ્ધ ચાલુ રાખવા માટે ભારે દબાણ છે. જો તેઓ પીછેહઠ કરે તો તેમની હત્યા પણ થઈ શકે છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે ઘણા લોકો તેમને પુતિનના સમર્થનમાં નિવેદનો આપતા માને છે, પરંતુ એવું નથી. મસ્કે કહ્યું કે રશિયાને પાછળ ધકેલવા માટે તેમની કંપનીઓએ જેટલું કર્યું છે એટલું ભાગ્યે જ કોઈ અન્ય કંપનીએ કર્યું છે. આ દરમિયાન તેમણે યુક્રેનિયનોને પૂરી પાડવામાં આવતી સ્ટારલિંક ઈન્ટરનેટ સેવાનો પણ ઉલ્લેખ કર્યો, જેના દ્વારા યુક્રેનિયન સેના રશિયા સામે આસાનીથી વાતચીત જાળવી રાખવામાં સક્ષમ છે.

ટેસ્લાના સ્થાપકના આ મંતવ્યો યુએસ પ્રમુખ જો બિડેન અને સેનેટ રિપબ્લિકન નેતા મિચ મેકકોનેલના વિચારોથી સંપૂર્ણપણે અલગ છે. વાસ્તવમાં યુક્રેનને આથક મદદ આપવા માટે અમેરિકી સંસદના ઉપલા ગૃહમાં સમજૂતી થઈ છે. આ બંને પક્ષો માને છે કે અમેરિકા અને તેના સહયોગીઓના હિત માટે રશિયા સામે યુક્રેનને મજબૂત રાખવું જરૂરી છે. આ જોતાં સોમવારે રાત્રે સેનેટે પણ યુક્રેનને મદદ કરવા માટે ભંડોળ પૂરું પાડવાની ચર્ચા કરી હતી. જો કે, રિપબ્લિકન નેતાઓએ પણ અમેરિકાની સરહદોની સુરક્ષા માટે ભંડોળની માંગ કરી છે, જેના કારણે બિલ પસાર કરવામાં અવરોધ છે.