દાહોદ,રાજ્યમાં દરેક ઘરે પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવા ‘નલ સે જલ’ યોજના કાર્યરત છે. તો બીજી તરફ દાહોદના લીમડી નગરમાં પીવાના શુદ્ધ પાણી માટે લોકોએ વલખાં મારવા પડી રહ્યા છે. સ્થાનિકોને માછણ ડેમમાંથી સીધું જ પાણી પહોંચાડવામાં આવે છે.
૧૮ હજારથી વધુની વસ્તી ધરાવતા નગરમાં દરરોજ ફિલ્ટર વિનાના ૩૨ લાખ લીટર પાણીનું સપ્લાય થાય છે. લોકોના આક્ષેપ છે, કે આ પાણીમાં કચરો અને ગટરના પાણી પણ મિશ્રિત થાય છે અને આવું જ ગંદુ પાણી લોકોને પીવા માટે અપાઇ રહ્યું છે. જેને લઇ લોકોમાં રોગચાળો ફેલાવવાની ભીતિ સર્જાઇ છે. તો આ સમસ્યાને લઇ લોકો વેચાતું પાણી લેવા મજબૂર બન્યા છે.
ઉલ્લેખનીય છે, વર્ષ ૧૯૯૭-૯૮માં ફિલ્ટર પ્લાન્ટ બનાવાયો હતો. બે-બે વખત સરકારના પ્રધાનોએ ઉદ્ઘાટન પણ કર્યું. પરંતુ યાંત્રિક ખામીના કારણે પ્લાન્ટ ચાલુ થતા પહેલા જ બંધ થઇ ગયો અને લાખો રૂપિયાનો વેડફાટ થયો. હાલ માછણ ડેમમાંથી લીમડીના પ્રથમ ઝોનમાં ૩૮ સ્થળ અને બીજા ઝોનમાં ૪૦ સ્થળે પાઇપલાઇન દ્વારા પાણી આપવામાં આવે છે. પરંતુ પાણી ફિલ્ટર વિનાનું અને ગંદકી વાળું છે, જેને પી શકાતું નથી. માછણ ડેમમાંથી ગટર અને ગંદકીવાળું પાણી પીવા લોકો મજબૂર બન્યા છે.