ભાવનગરમાં મિત્રોએ જ કરી મિત્રની હત્યા, ૧૯ વર્ષીય યુવકનું ગળુ દબાવી મોતને ઘાટ ઉતાર્યો

ભાવનગર, આજના સમયમાં નાનકડી બાબતે પણ મિત્રો પોતાના જ મિત્રની હત્યા કરતા પણ ચૂક્તા નથી. ભાવનગરના પાનવાડીમાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં નાનકડી બાબતે બે મિત્રોએ રામ ભટ્ટ નામના ૧૯ વર્ષીય યુવકની હત્યા કરીને મૃતદેહ ફેંકી દીધો. જો કે પોલીસે મૃતકના બંને આરોપી મિત્રોની ધરપકડ કરી લીધી છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો, ૮ ફેબ્રુઆરીની રાતથી જ રામ ભટ્ટ નામનો યુવક રહસ્યમયી રીતે ગુમ થઇ ગયો હતો.

જે બાદ તેના પરિજનોએ પોલીસને જાણ કરી હતી અને બે દિવસ બાદ નવાબંદર નજીકથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે મૃતકના ગળામાં ઇજાના નિશાન હતા. જેને લઇ મૃતક યુવક રામ ભટ્ટના પરિજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી અને જ્યારે મૃતદેહનું પોસ્ટમોર્ટમ થયું. ત્યારે તેની હત્યા થઇ હોવાની હકીક્ત સામે આવી. જેને લઇ પોલીસે મૃતકના બે મિત્ર. સન્ની હાદક ત્રિવેદી અને ચેતન ઉર્ફે ડોક્ટર ગિરધર વાઘેલાની ધરપકડ કરી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, થોડા દિવસ પહેલા અકીલ નામના યુવકનું સ્નેપચેટ આરોપી સન્નીએ હેક કર્યું હતું. ત્યારે મૃતક રામ ભટ્ટે અકીલને સ્નેપચેટ હેક થયાની જાણ કરી હતી અને આ કાવતરૂં સન્નીએ કર્યું હોવાનું જણાવ્યું હતું. બસ આ વાતનો ખાર રાખીને આરોપી સન્ની અને ચેતન વાઘેલાએ હત્યાનું કાવતરૂં રચ્યું. જે બાદ મૃતક રામને બોલાવીને તેનું ગળું દબાવી દીધું હતું. હાલ તો, પોલીસે બંને આરોપીઓ સામે વધુ કાર્યવાહી હાથ ધરી છે.