સાબરકાંઠાના વિજયનગરમાં પોલીસે ટુ-વ્હિલર ચાલકોને હેલ્મેટ વિતરણ કર્યા

હિંમતનગર, સાબરકાંઠા જિલ્લામાં પોલીસ દ્વારા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા ક્યાંક ફૂલ આપવામાં આવી રહ્યા છે તો, ક્યાંક રિલેક્ટર લગાડવામાં આવી રહ્યા છે. ટ્રાફિક કાયદાનું પાલન કરવાની જાગૃતિ સાથે વાહન ચલાવતા સુરક્ષીત રહેવા સહિતના જાગૃતિ પ્રેરતા કાર્યો હાથ ધરવામાં આવ્યા છે.

વિજયનગરમાં માર્ગ સલામતિ સપ્તાહને લઈ પોલીસ દ્વારા કેટલાક વાહન ચાલકોને હેલ્મેટ આપ્યા હતા. વિજયનગર પોલીસ દ્વારા ટેલિફોન એક્સચેન્જ કચેરી પાસે માર્ગ સલામતિની જાગૃતિ સાથે ટુ વ્હિલર ચાલકોને હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યા હતા. પોલીસે બાઈક ચાલકોને રોકીને તેમને ફૂલ આપવા સાથે જ હેલ્મેટ આપીને સલામત અને સુરક્ષિત રીતે વાહન હંકારવા માટે અપીલ કરી હતી.

વાહન ચાલકો અને ખાસ કરીને ટુ-વ્હિલર ચાલકોને ટ્રાફિક જાગૃતિ અંગે પત્રિકા વિતરણ કરીને માર્ગદર્શન આપ્યુ હતુ. માર્ગ સલામતિ સપ્તાહને લઈ રાજ્યમાં પોલીસ અને આરટીઓ દ્વારા વાહનોની બેક સાઇડ રિલેક્ટર લગાડવામાં આવી રહ્યા છે. આવી જ રીતે રિલેક્ટર સામાન્ય દિવસોમાં પણ લગાવવામાં આવેતો અકસ્માતમાં જીવલેણ અકસ્માતમાં ઘટાડો થઈ શકે છે.