નવીદિલ્હી : શહેર હોય કે હાઈવે, રસ્તાઓ વારંવાર ભાંગી જતા હોવાના ઘટનાક્રમને રોકવા માટે કેન્દ્ર સરકારે કોન્ટ્રાકટરોની જવાબદારી વધારવા જેવી નવી પ્રક્રિયા લાગુ કરવાની દિશામાં વિચારણા હાથ ધરી છે. રસ્તા માટે એન્જીનીયરીંગ-પ્રોકયોરમેન્ટ-ક્ધસ્ટ્રકશન (ઈપીસી) હેઠળ ક્ષતિની જવાબદારી ૧૦ વર્ષની થશે. રસ્તાઓની જાળવણી-મરામત પાછળ લખલુંટ ખર્ચ નિયંત્રીત કરવાનો ઉદેશ છે.
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયના સીનીયર અધિકારીએ કહ્યું કે સંબંધીત પક્ષકારો સાથે વાતચીત શરૂ કરી દેવામાં આવી છે. નવા નિયમો સાથેની દરખાસ્ત તુર્તમાં કરાશે જેનાથી રસ્તાની ગુણવતામાં સુધારો થવાની સાથોસાથ માર્ગ અકસ્માતો ઘટાડવાનો પણ ઉદેશ છે. રસ્તાની ગુણવતા સુધારવા માટે ઈપીસી કોન્ટ્રાકટ હેઠળ જવાબદારી ૧૦ વર્ષની કરવા માટે નિષ્ણાંતો સાથે પરામર્શ કરવામાં આવી રહ્યો છે.
ઈપીસી અંતર્ગત નિયત સમયગાળા બાદ હાઈવેની જાળવણીની જવાબદારી કેન્દ્ર સરકાર પર આવી જાય છે. કોન્ટ્રાકટર માત્ર નિયત સમયગાળા માટે જ જવાબદાર રહે છે. ૨૦૨૪-૨૫ માટે રસ્તાની જાળવણી માટે ૨૬૦૦ કરોડની અંદાજપત્રીય જોગવાઈ કરવામાં આવી છે. ૨૦૨૨-૨૩માં આમાં ૨૫૭૩.૬૬ કરોડનો ખર્ચ થયો હતો.
રાષ્ટ્રીય ધોરીમાર્ગની જાળવણી માટે સેન્ટ્રલ રોડ ઈન્ફ્રાસ્ટ્રકચર ફંડ મારફત નાણાં મેળવવામાં આવે છે. પીડબલ્યુડી, બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન નેશનલ હાઈવે ઓથોરીટી જેવી એજન્સીઓ આ કામગીરી કરે છે.
નિષ્ણાંતોના કહેવા પ્રમાણે ખરાબી ક્ષતિની જવાબદારી વધારવાના સંજોગોમાં કોન્ટ્રાકટરો રસ્તાની લાંબી આવરદાને યાને રાખીને ગુણવતા સુધારશે. ભારતમાલા પરિયોજના હેઠળ ડીસેમ્બર ૨૦૨૨ સુધીમાં કેન્દ્ર સરકારે ૭.૮૧ લાખ કરોડના ૨૫૭૧૩ કીમી રોડના કોન્ટ્રાકટ મંજુર કર્યા હતા તેમાંથી ૫૬ ટકા ઈપીસી મોડના હતા જયારે ૪૨ ટકા હાઈબ્રીડ મોડલ હેઠળ અપાયા હતા. ૨ ટકા બીલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર (બીઓટી) કોન્ટ્રાકટ હતા તેમાં રસ્તાની જાળવણી કોન્ટ્રાકટરો પર હોય છે. આ મોડલ હેઠળ હવે વધુ કોન્ટ્રાકટ આપવાનો સરકારનો ઈરાદો છે.