
નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ દ્વારા નિર્ધારિત માપદંડને સમર્થન આપ્યું હતું જેમાં ન્યાયિક અધિકારીઓને ડિસ્ટ્રિક્ટ જજની પોસ્ટ પર બઢતી મેળવવા માટે ઇન્ટરવ્યુમાં ઓછામાં ઓછા ૫૦ ટકા માર્ક્સ મેળવવાની જરૂર છે.સીજેઆઇ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની ત્રણ જજોની બેન્ચે ૧૩ ન્યાયિક અધિકારીઓને બઢતી આપવાના હાઈકોર્ટના નિર્દેશને પડકારતી અસફળ ઉમેદવારો અને હરિયાણા સરકારની સ્પેશિયલ લીવ પિટિશનને ફગાવી દીધી હતી.
આ કેસ હરિયાણા સુપિરિયર જ્યુડિશિયલ સવસ રૂલ્સ, ૨૦૦૭ ના નિયમ ૮ માં ઉલ્લેખિત પ્રમોશન પ્રક્રિયા હેઠળ મેરિટ-કમ-વરિષ્ઠતા દ્વારા પસંદગી માટે ૬૫ ટકા ક્વોટા સાથે સંબંધિત છે. હાઈકોર્ટની કાર્યવાહીને મુખ્યત્વે એ આધાર પર પડકારવામાં આવી હતી કે નિયમો મૌખિક પરીક્ષા માટે લઘુત્તમ કટ-ઓફ માપદંડો નિર્ધારિત કરતા નથી. હરિયાણા રાજ્યએ આ આધાર પર નિર્દેશ સામે વાંધો ઉઠાવ્યો કે હાઇકોર્ટે માપદંડ ઘડતા પહેલા કલમ ૨૩૩ મુજબ રાજ્ય સરકાર સાથે સલાહ લીધી ન હતી. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે મૌખિક પરીક્ષા માટે લઘુત્તમ કટ-ઓફના પાસા પર નિયમો મૌન હોવાથી, હાઇકોર્ટની ફુલ કોર્ટના ઠરાવ દ્વારા આવી શરત નક્કી કરવી યોગ્ય છે. અરર્જીક્તાઓએ ઇન્ટરવ્યુની આવશ્યક્તા પર પણ સવાલ ઉઠાવ્યા હતા. પરંતુ આ દલીલને ફગાવી દેતા સુપ્રીમ કોર્ટે ઈન્ટરવ્યુના મહત્વ પર ભાર મૂક્યો હતો.