નવીદિલ્હી,\રાજ્યસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની વધુ એક યાદી બહાર પાડી છે. આ યાદીમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ સામેલ છે. અત્રે જણાવવાનું કે હાલમાં જ ભાજપે રાજ્યસભાની ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની એક યાદી બહાર પાડી હતી તેમાં સુધાંશુ ત્રિવેદી, આરપીએન સિંહ પણ સામેલ હતા.
ભાજપે આજે જાહેર કરેલી યાદી મુજબ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને એલ મુરુગનને ક્રમશ: ઓડિશા અને મય પ્રદેશથી રાજ્યસભા ઉમેદવાર બનાવ્યા છે. જો આ બંને ચૂંટાઈને આવે તો એ લગભગ નક્કી છે કે આ રાજ્યોથી બંને નેતાઓનો આ બીજો રાજ્યસભા કાર્યકાળ હશે.
કેન્દ્રીય મંત્રી એલ મુરુગન ઉપરાંત ભાજપે મધ્ય પ્રદેશથી રાજ્યસભા ચૂંટણી માટે ત્રણ વધુ નામની જાહેરાત કરી છે. જેમાં ડો. એલ મુરુગન ઉપરાંત ઉમેશનાથ મહારાજ, માયા નારોલિયા, અને બંસીલાલ ગુર્જર સામેલ છે.
વાત જાણે એમ છે કે રેલવે મંત્રી અશ્ર્વિની વૈષ્ણવ રાજ્યમાં સત્તાધારી બીજુ જનતા દળ (બીજેડી)ના સમર્થનથી ચૂંટાઈ આવે તેવી સંભાવના છે. જેવું ૨૦૧૯માં પૂર્વ આઈએએસ અધિકારી વૈષ્ણવના પહેલા કાર્યકાળ દરમિયાન થયું હતું. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહે આ યાદી બહાર પાડી છે.
આ પહેલા ભાજપે ઉત્તર પ્રદેશની ૭ બેઠકો માટે સુધાંશુ ત્રિવેદી, આરપીએન સિંહ, તેજવીર સિંહ, સાધના સિંહ, સંગીતા બલવંત, નવીન જૈન અને અમરપાલ મૌર્યને ઉમેદવાર બનાવતી યાદી બહાર પાડી હતી. યુપીમાંથી રાજ્યસભાની ૧૦ બેઠકો ખાલી છે. ભાજપે યુપી ઉપરાંત બિહાર, છત્તીસગઢ, હરિયાણા અને કર્ણાટકની બેઠકો માટે ઉમેદવારો જાહેર કરેલા છે. પાર્ટીએ કુલ ૧૨ ઉમેદવારોની યાદી જાહેર કરી ચે. આ વખતે બિહારથી સુશિલ મોદી રાજ્યસભાના ઉમેદવાર નથી. છત્તીસગઢમાંથી રાજા દેવેન્દ્ર પ્રતાપ સિંહ, હરિયાણાની એક બેઠક પર સુભાષ બરાલાને ઉમેદવાર બનાવ્યા છે. કર્ણાટકની એક બેઠક પર નારાયણા કૃષ્ણાસા ભાંડગેને ભાજપે ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે બિહારમાંથી ડો. ધર્મશીલા ગુપ્તા, ડો. ભીમસિંહને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.