રાજ્યસભાના ભાજપના 4 ઉમેદવારો ફોર્મ ભર્યા:જે.પી. નડ્ડા, ગોવિંદ ધોળકિયા, મયંક નાયક, જસવંતસિંહ ઉમેદવારી નોંધાવી.

આગામી 27 ફેબ્રુઆરીએ રાજ્યસભાની ચૂંટણી યોજાનાર છે. ત્યારે ભાજપે પોતાના ચાર ઉમેદવારો જાહેર કરી દીધા છે. જેમાં જે.પી. નડ્ડા, ગોવિંદ ધોળકિયા, મયંક નાયક અને જસવંતસિંહ પરમારે ઉમેદવારી નોંધાવી દીધી છે. જોકે, ઉમેદવારી પત્ર ભરે એ પહેલા વિધાનસભા ખાતે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરોનો જમાવડો જામ્યો હતો. ઢોલ-નગારાના તાલે ચારેય ઉમેદવારો ઉમેદવારી નોંધાવી હતા. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા.

આ રીતે ચારેય ઝોન સાચવી લીધા
રાજ્યસભા ના ચાર ઉમેદવારમાંથી ત્રણ ઉમેદવાર ગુજરાતી છે, જ્યારે એક આયાતી એવા જે.પી.નડ્ડા છે. રાજ્યમાંથી ઝોનવાઇઝ પ્રતિનિધિત્વની વાત કરીએ તો ગોવિંદ ધોળકિયા મૂળ સૌરાષ્ટ્રના છે અને હાલ સુરતમાં રહેતા હોવાથી તેઓ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરશે તેમજ જશવંતસિંહ પરમાર મધ્ય ગુજરાતનું અને મયંક નાયક ઉત્તર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.

કોણ છે ગોવિંદભાઈ ધોળકિયા
ગુજરાતના દુધાળા ગામમાં 7 નવેમ્બર 1947ના રોજ જન્મેલા ગોવિંદ ધોળકિયાનો ઉછેર નાનકડા ઘરમાં થયો હતો. સાત ભાઈ-બહેનો સાથે ગરીબ કૃષિ પરિવારમાં ઊછરેલા, તેમણે કોઈ વિશેષ વિશેષાધિકારો અથવા ગુણવત્તાયુક્ત શિક્ષણ વિના બાળપણનો અનુભવ કર્યો. તેમની સામે અનેક પડકારો હોવા છતાં તેમનું બાળપણ સાદગીથી વીત્યું હતું. લોકો વચ્ચે તેઓ પ્રેમથી કાકા તરીકે ઓળખાઈ છે. તેમણે 1964માં 17 વર્ષની ઉંમરે જાહેર જીવનની શરૂઆત કરી હતી.

કોણ છે જે.પી. નડ્ડા?
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા, જેમને જે.પી.નડ્ડાના નામથી પણ ઓળખવામાં આવે છે. જે.પી.નડ્ડાનો જન્મ બિહારના પટનામાં વર્ષ 1960માં થયો હતો. તેમનો કોલેજ સુધીનો અભ્યાસ BA અને LLB સુધી પટનામાંથી જ થયો છે, સાથે તેઓ શરૂઆતથી જ ABVPના કાર્યકર રહ્યા હતા. તેઓ સૌ પ્રથમવાર 1993માં હિમાચલ પ્રદેશથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. એ બાદ તેઓ રાજ્ય અને કેન્દ્રમાં પણ મંત્રી તરીકેની જવાબદારી નિભાવી ચૂક્યા છે. વર્ષ 1994થી 1998 સુધી તેઓ વિધાનસભામાં પાર્ટીના નેતા પણ રહી ચૂક્યા છે. તો મોદી સરકારના પહેલા કાર્યકાળમાં જેપી નડ્ડાને આરોગ્યમંત્રી પણ બનાવવામાં આવ્યા હતા.

જસવંતસિંહ પરમાર ડોક્ટર, હોસ્પિટલ ચલાવે છે
ગોધરાના વતની એવા ડો.જશવંતસિંહ પરમારનો જન્મ 15 જૂન, 1975ના રોજ થયો હતો. તેમના પિતા સલામસિંહ પરમાર પ્રિન્સિપાલ હતા. તેમણે અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજમાંથી MBBS અને NHL મેડિકલ કોલેજમાંથી MS(માસ્ટર ઓફ સર્જરી) કર્યું છે. હાલ તેઓ ગોધરામાં ભાગ્યોદય હોસ્પિટલ ચલાવી રહ્યા છે તેમજ તેઓ વાઘજીપુરમાં એક પેટ્રોલપંપ પણ ધરાવે છે.

મયંક નાયક રિક્ષા ચલાવતા હતા
મયંક નાયકે પોતાની યુવાનીમાં ડબલ એન્જિનિયરિંગ કર્યું છે. ઓછા પગારમાં નોકરી મળતા તેઓએ નોકરી કરવાને બદલે રિક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવ્યું સાથે ભાજપમાં પાયાના કાર્યકર તરીકે જોડાઈ તાલુકા પંચાયત સીટ પર જીત મેળવી હતી. મયંક નાયકના ભાઈ ડો. અનિલ નાયકે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, મયંકભાઈએ અમદાવાદથી ડબલ એન્જિનિયરિંગ કર્યું છે. મિકેનિકલ અને ઓટો મોબાઈલ ડિપ્લોમા અને કોલેજમાં જી.એસ.પણ બનેલા અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ઘરે આવ્યા બાદ જોઈએ એવી નોકરી ના મળી. નોકરીવાળાએ સમયે 250 રૂપિયા પગાર આપતા જેથી મયંકભાઈએ નોકરી ના કરી અને 1989ની સાલમાં તેઓએ રિક્ષા લાવી લાખવડથી મહેસાણા રિક્ષા ચલાવી મહિને 1000 કમાણી કરતા હતા. ત્રણ વર્ષ સુધી રિક્ષા ચલાવી ત્યારબાદ બે ભાઈએ ભેગા થઈ હોટેલ બનાવી. હોટલ બાદ કન્સ્ટ્રકેશનના વ્યવસાયમાં કામ ચાલુ કર્યું.