સંજેલી તાલુકાના ટીસાના મુવાડા ગામે પ્રા.શાળામાં બાળકો વર્ગખંડના અભાવે ખુલ્લામાં અભ્યાસ કરવા મજબુર

સંજેલી,દાહોદ જિલ્લાની સંજેલી તાલુકાના ટીસાના મુવાડા ગામની પ્રાથમિક શાળામાં માત્ર 4 વર્ગખંડ હોવાથી બાકીના 4 વર્ગના અને બાલવાટીકાના બાળકોને શાળાના ઓટલા પર બેસાડીને છેલ્લા એક વર્ષથી અભ્યાસ કરાવાઈ રહ્યો છે. શાળા માટે નવા મકાનના બાંધકામ માટે વારંવારની રજુઆતો છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરાતી નહિ હોવાનુ ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે.

ટીસાના મુવાડા ગામની પ્રાથમિક શાળામાં ધો-1 થી 8 અને બાલ વાટિકામાં કુલ 200 જેટલા વિધાર્થીઓ અભ્યાસ કરે છે. શાળામાં ધો-1 થી 8 વચ્ચે માત્ર 4 જ ઓરડા હોય 4 વર્ગના અને બાલ વાટિકાના બાળકોને ઓટલા પર બેસાડીને અભ્યાસ કરાવાય છે. હાલ શિયાળાની કડકડતી ઠંડીમાં પણ બાળકોને બહાર ઓટલા પર બેસાડીને ભણાવવા શિક્ષકો મજબુર બન્યા છે. વાલીઓ દ્વારા છેલ્લા ધણા સમયથી શાળાના નવા ઓરડા બનાવવામાં માંગ કરાઈ છે જે બાબતે ગ્રામજનોએ શાળા માટે જમીન ફાળવવા શિક્ષણ વિભાગ, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, પંચાયત સહિત ઉચ્ચકક્ષાએ પણ રજુઆત કરી હોવા છતાં તાલુકા સહિત જિલ્લાના અધિકારીઓ તેમજ શિક્ષણ વિભાગ દ્વારા આંખ આડા કાન કરાઈ રહ્યા હોવાની ગ્રામજનો કહી રહ્યા છે. શાળા માટે જમીન ફાળવવા માટે ગ્રામસભા પણ યોજાઈ હતી પરંતુ હજુ સુધી જમીનને લઈ દરખાસ્ત કરાઈ નથી.