ગાંધીનગર, રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, ગુજરાતનું અંદાજપત્ર પ્રજાલક્ષી, સર્વાંગી વિકાસનું અને સૌનો સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના કર્મમંત્રને સાર્થક કરનારૂં બજેટ છે. કોઇપણ રાજ્યના બજેટ કરતા ગુજરાત રાજ્યના બજેટની પ્લાન સાઇઝ મોટી છે. વિકાસ માટે આટલા મોટા પ્રમાણમાં વસતીના ધોરણે દેશભરમાં ગુજરાત સૌથી વધુ બજેટ જોગવાઇ કરે છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.
ગુજરાત વિધાનસભામાં અંદાજપત્ર ઉપરની સામાન્ય ચર્ચાના ચોથા અને છેલ્લા દિવસે સંબોધન કરતા નાણાં મંત્રી દેસાઈએ જણાવ્યું હતું કે, વિકાસના દરેક ક્ષેત્ર માટે અસરકારક નીતિઓ, ચુસ્ત અમલીકરણ અને પૂરતા નાણાકીય સંશોધનો દ્વારા ગુજરાત ઉત્તરોતર વિકાસના નવા શિખરો સર કરશે. રાજ્ય સરકારનું આ બજેટ અમૃતકાળમાં વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના નિર્માણમાં વિકસિત ગુજરાત જ્ર ૨૦૪૭નું વિઝન રજૂ કરતું ઐતિહાસિક બજેટ છે. તેમણે ઉમેર્યું હતું કે, ગત વર્ષના બજેટમાં અમે વિકાસની પરિકલ્પનાના પાંચ સ્તંભોની અવધારણા રજુ કરેલ હતી. તેને મૂળમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અમારી સરકાર ગરવી ગુજરાત, ગુણવંતુ ગુજરાત, ગ્રીન ગુજરાત, ગ્લોબલ ગુજરાત અને ગતિશીલ ગુજરાત બનાવવાની કટિબદ્ધતાને દર્શાવતું બજેટ લઇને આ ગૃહ સમક્ષ આવી છે.તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દુરંદેશી અને વિકાસની રાજનીતિને કારણે પાછલા બે દશકમાં દરેક ક્ષેત્રમાં ગુજરાતે અભૂતપૂર્વ વિકાસ કરી દેશ જ નહિ પણ વિશ્ર્વમાં આગવું સ્થાન ઉભુ કરેલ છે. આજે ગ્લોબલ સપ્લાય ચેઇનમાં અને નિકાસમાં ગુજરાતે હરણફાળ ભરી છે. ન્યુ એજ ઇન્ડસ્ટ્રીમાં પણ ગુજરાત અગ્રહરોળમાં રહીને વૈશ્ર્વિક કક્ષાની સસ્ટેનેબલ ઇકોસીસ્ટમ ઉભી કરશે તેવો અમારી સરકારનો નિર્ધાર છે, તેમ તેમણે જણાવ્યું હતું.
વધુમાં, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શરૂઆત કરીને મોદીએ ગુજરાતને ઔદ્યોગિક ક્ષેત્રે વિશ્ર્વકક્ષાનું વિકાસનું મોડેલ બનાવ્યું છે. આજે દેશના અન્ય રાજ્યો પણ આ પ્રકારની ઇન્વેસ્ટર સમિટના આયોજનો કરવા લાગ્યા છે.હમણાં જ પૂર્ણ થયેલ દસમી ગુજરાત વાઇબ્રન્ટ સમિટમાં કરોડોના એમઓયુ થયા છે. આ સમિટમાં ખાસ કરીને રીન્યુએબલ ઊર્જાના ઉત્પાદન ઉપર ખાસ ભાર મૂકવામાં હતો અને આ ક્ષેત્રે અંદાજે ૧૨ લાખ કરોડના એમઓયુ થયા છે.
મંત્રીએ કહ્યું કે, અમે આંગણવાડી ૨.૦ અને પી.એમ.પોષણ યોજનાનો વ્યાપ વધારવા જેવા નોંધનીય પગલા લીધેલ છે. પી.એમ.પોષણ યોજના અતર્ગત અંદાજે ૫૨ લાખ વિદ્યાર્થીઓને બપોરે તાજુ અને ગરમ ભોજન આપવામાં આવે છે. હાલની ટેક હોમ રાશન યોજના,પૂર્ણા યોજના, માતૃશક્તિ યોજના, પૂરક પોષણ યોજના, પોષણ સુધા યોજના, દૂધ સંજીવની અને અન્નસંગમ જેવી યોજનાઓ માટે વિશેષ બજેટ જોગવાઇ કરી છે તેમજ નવી નમોશ્રી યોજના જાહેર કરી છે. તેમણે ઉમેર્યું કે, ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય છે. જેમાં દુધસંજીવની યોજના અંતર્ગત રોજે-રોજ તાજુ ફોર્ટીફાઇડ પેશ્ર્ચ્યુરાઇઝડ લેવર્ડ દુધ આપવામાં આવે છે. દુધ સંજીવની યોજના અંતર્ગત ૬ માસ થી ૬ વર્ષના બાળકોને અઠવાડિયામાં ૫ દિવસ ૧૦૦ એમ.એલ. મિલ્ક આપવામાં આવે છે. જ્યારે સગર્ભા અને ધાત્રી માતાને અઠવાડિયામાં ૨ દિવસ ૨૦૦ એમ.એલ. દુધ આપવામાં આવે છે. આ ઉપરાંત, શ્રમિકવર્ગ માટે વરદાન સમાન શ્રમિક અન્નપૂર્ણા યોજના, શિષ્યવૃત્તિની યોજનાઓ, સ્વરોજગારીની યોજનાઓ, ગંગા સ્વરૂપા આથક સહાય યોજના જેવી યોજનાઓ માટે વિશેષ જોગવાઈ કરવામાં આવેલ છે.આવી વ્યક્તિલક્ષી યોજનાઓથી રાજ્યની ભાવિ પેઢીને વધુ સુખી, સમૃદ્ધ બનાવવા એટલે કે અર્નીંગ વેલ, લીવીંગ વેલ હાંસલ કરવાનો નિર્ધાર કરેલ છે, તેમ તેમણે જણાવ્યું હતું.