રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ ૨૦ લાખ કરોડને પાર, ભારતની પ્રથમ કંપની બની

મુંબઇ, ૧૩ ફેબ્રુઆરીના રોજ, મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનું માર્કેટ કેપ ૨૦ લાખ કરોડ રૂપિયાને આંબી ગયું હતું. આ સાથે કંપની આ મર્યાદા પાર કરનારી ભારતની પ્રથમ કંપની બની છે. વર્ષ ૨૦૨૪માં અત્યાર સુધીમાં આરઆઇએલના શેરમાં ૧૨ ટકાનો વધારો જોવા મળ્યો છે.

૧૩ ફેબ્રુઆરીના રોજ, બીએસઇ પર શેર ૨૯૧૦.૪૦ રૂપિયાના ઉછાળા સાથે ખુલ્યો હતો. થોડા સમયની અંદર, તે અગાઉના બંધ ભાવ કરતાં લગભગ ૨ ટકા ઉછળીને ૨૯૫૭.૮૦ રૂપિયાની નવી ૫૨-સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. આ સાથે આરઆઇએલનું માર્કેટ કેપ ૨૦ લાખ કરોડ રૂપિયાના આંકડાને સ્પર્શી ગયું છે.

૧૦ ટકાની મજબૂતાઈ સાથે સ્ટોકનો પ્રાઈસ ભાવ ૩૧૯૩.૨૦ રૂપિયા છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ ઓગસ્ટ ૨૦૦૫માં ૧ લાખ કરોડ રૂપિયા, એપ્રિલ ૨૦૦૭માં ૨ લાખ કરોડ રૂપિયા, સપ્ટેમ્બર ૨૦૦૭માં ૩ લાખ કરોડ રૂપિયા અને ઓક્ટોબર ૨૦૦૭માં ૪ લાખ કરોડે રૂપિયાએ પહોંચ્યું હતું.

આ પછી માર્કેટ કેપ ૫ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચવામાં ૧૨ વર્ષ લાગ્યા હતા. આ આંકડો જુલાઈ ૨૦૧૭માં આવ્યો હતો.આરઆઇએલનું માર્કેટ કેપ નવેમ્બર ૨૦૧૯માં ૧૦ લાખ કરોડ રૂપિયા અને સપ્ટેમ્બર ૨૦૨૧માં ૧૫ લાખ કરોડ રૂપિયાએ પહોંચ્યું હતું.

નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ના ડિસેમ્બર ૨૦૨૩ ક્વાર્ટરમાં આરઆઇએલનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે ૧૧% વધીને ૧૯,૬૪૧ કરોડ રૂપિયા થયો છે. કોન્સોલિડેટેડ રેવન્યુ વાર્ષિક ધોરણે ૩.૨% વધીને ૨.૪૮ લાખ કરોડ રૂપિયા થઈ છે, જે એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં ૨.૪૧ લાખ કરોડ રૂપિયા હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો ઓપરેટિંગ નફો ડિસેમ્બર ૨૦૨૩ ક્વાર્ટરમાં વાષક ધોરણે ૧૬.૭% વધીને ૪૪,૬૭૮ કરોડ રૂપિયા થયો છે.

ઘણા વિશ્લેષકો આરઆઈએલના શેર પર તેજીને બુલિશ ગણાવી રહ્યા છે. બ્રોકરેજ બર્નસ્ટીન રિટેલ અને ટેલિકોમ સેક્ટરની આગેવાની હેઠળની કંપની માટે ૨૦૨૬ના અંત સુધીમાં ઇપીએસ વૃદ્ધિમાં ૨૦ ટકાના મજબૂત સીએજીઆરની અપેક્ષા રાખે છે. નાણાકીય વર્ષ ૨૦૨૫ સુધીમાં જીયોનો બજાર હિસ્સો ૪૭ ટકા સુધી પહોંચવાની ધારણા છે.