દેશમાં નાગરિક્તા સંશોધન કાયદો એટલે કે સીએએ ક્યારે અમલમાં આવશે તેના પર લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી, કારણ કે જાન્યુઆરી ૨૦૨૦માં રાષ્ટ્રપતિની મહોર લાગવાની સાથે જ આ કાયદો અસ્તિત્વમાં આવી ગયો હતો. ચાર વર્ષના વિલંબ બાદ હવે તે લાગુ થવા જઈ રહ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટ કર્યું કે આગામી લોક્સભા ચૂંટણી પહેલાં જ આ કાયદાના નિયમ અધિસૂચિત કરી દેવામાં આવશે. સારું થાત કે આ કામ હજુ પણ વહેલું કરી દેવાતું, કારણ કે બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના જે અલ્પસંખ્યકો જીવ બચાવીને ભારત આવવામાં સફળ રહ્યા, તેઓ અહીંની નાગરિક્તા મેળવવાની રાહ જોઈ રહ્યા છે. તેમની સંખ્યા સારી એવી છે. તેઓ અલ્પસંખ્યક હોવાને કારણે જ આ ત્રણેય દેશમાં સતામણીનો શિકાર હતા. તેમની પાસે સતામણીથી બચવા માટે ભારત આવવા સિવાય બીજો કોઈ આરો નહોતો રહ્યો. ૨૦૧૯માં નાગરિક્તા કાયદામાં જેવાં સંશોધનો કરવામાં આવ્યાં, એવાં જ સંશોધન કરવાની માંગ એક સમયે કોંગ્રેસ અને કેટલાક પક્ષોના નેતાઓએ કરી હતી, પરંતુ જ્યારે એવાં જ સંશોધન કરવામાં આવ્યાં તો વિપક્ષોએ આકાશ માથે લીધું. આ પક્ષોએ લોકો અને વિશેષ રૂપે મુસ્લિમોને ભરમાવવા અને ઉશ્કેરવામાં કોઈ ક્સર બાકી ન રાખી. તેનું પરિણામ એ થયું કે નાગરિક્તા સંશોધન કાયદાના વાંઝણા વિરોધમાં દેશમાં ઠેર-ઠેર ઉપદ્રવ કરવામાં આવ્યો. આ ઉપદ્રવ તેમ છતાં કરવામાં આવ્યો કે નાગરિક્તા સંશોધન કાયદાને દેશના કોઈ નાગરિક સાથે લેવાદેવા નથી. એ તો નાગરિક્તા આપવાનો કાયદો છે, છીનવવાનો નહીં. તેમ છતાં પણ એવો દુષ્પ્રચાર કરવામાં આવ્યો કે આ કાયદો લાગુ થયો તો મુસ્લિમોને દેશની નાગરિક્તાથી વંચિત કરી દેવામાં આવશે. આ ખતરનાક દુષ્પ્રચારમાં વિરોધ પક્ષોના નેતાઓની સાથે જ મોદી સરકારના અંધવિરોધી બુદ્ઘિજીવીઓ પણ સામેલ હતા.
હવે જ્યારે કેન્દ્રીય ગૃહ મંત્રાલય નાગરિક્તા સંશોધન કાયદાના નિયમ નક્કી કરીને તેમને અધિસૂચિત કરવા જઈ રહ્યું છે ત્યારે તેણે લોકોને ભડકાવીને પોતાના રાજકીય રોટલા શેકનારા તત્ત્વોથી સાવધ રહેવું પડશે. આ તત્ત્વો ફરીથી મુસ્લિમ સમાજને ભરમાવીને સડક પર ઉતારવાનું કામ કરી શકે છે. એવું કરનારાઓ સામે સખ્તાઈથી પગલાં ભરવાં જોઇએ, કારણ કે તેઓ એક રીતે માનવતાના શત્રુ છે. એની સાથે જ એ પણ જરૂરી છે કે નાગરિક્તા સંશોધન કાયદાના નિયમ એવા બનાવવા જોઇએ, જેનાથી બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી ડિસેમ્બર ૨૦૧૪ બાદ પણ ભારત આવેલા લોકોને રાહત મળી શકે. આ કટઓફ ડેટમાં બદલાવની જરૂરિયાત એટલા માટે છે, કારણ કે છેલ્લા એક દાયકામાં અફઘાનિસ્તાન હિંદુઓ અને શીખોથી લગભગ ખાલી થઈ ચૂક્યું છે, જ્યારે બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં અલ્પસંખ્યકોની સતામણી વધતી જ જાય છે. વાસ્તવમાં આ બંને દેશોમાં અલ્પસંખ્યકોનું કોઈ ભવિષ્ય નથી. તેમણે કાં તો ઇચ્છા ન હોવા છતાં પણ ધર્માંતરિત થવું પડશે કે પછી મરવા તૈયાર રહેવું પડશે.