ભારતના પાડોશી દેશ મ્યાનમારમાં ચાલી રહેલ કટોકટીની સ્થિતિ વચ્ચે જુંટા સેનાએ તમામ યુવાનો માટે ફરજિયાત સૈન્ય સેવા લાગુ કરી દીધી છે. આ મુજબ, મહિલાઓ અને પુરુષોએ ફરજિયાતપણે સેનામાં સામેલ થવું પડશે. ભરતીથી બચવાનો પ્રયાસ કરતાં લોકોને ત્રણથી પાંચ વર્ષની જેલની સજા થઈ શકે છે.
સ્ટેટ મીડિયાએ શનિવારે કહ્યું હતું કે મ્યાનમારની જુંટા સેનાએ નવા ભરતી કાયદાઓની જાહેરાત કરી છે, જેમાં દેશમાં ચાલી રહેલ કટોકટીની સ્થિતિ વચ્ચે તમામ યુવાન મહિલા અને પુરુષો માટે સેનામાં સામેલ થવું ફરજિયાત થઈ ગયું છે.
સૈન્ય સરકારે જણાવ્યું છે કે 18-35 વયજૂથના તમામ પુરુષો અને 18-27 વયજૂથની મહિલાઓએ બે વર્ષ સુધી સેવા આપવી પડશે. સૈન્ય વિદ્રોહ ચાલુ રહ્યો તો કુલ પાંચ વર્ષ સુધીનો સેવા વિસ્તાર પણ કરવામાં આવી શકે છે, કારણ કે જુંટા સેના સશસ્ત્ર વિદ્રોહીઓને રોકવા માટે સંઘર્ષ કરી રહ્યું છે. જુંટાએ કહ્યું છે કે નવા ભરતી નિયમો અનુસાર, 45 વર્ષથી ઓછી ઉંમરના ડોક્ટર્સને ત્રણ વર્ષ સુધી સેનામાં સેવા આપવી પડશે.
વાસ્તવમાં, મ્યાનમારની સેના જુંટા તેના શાસન સામે દેશભરમાં સશસ્ત્ર વિદ્રોહનો સામનો કરી રહી છે, જે 2021 માં આંગ સાન સુ કીની ચૂંટાયેલી નાગરિક સરકાર પાસેથી સત્તા છીનવી લીધા બાદ શરૂ થયો હતો. ગત સપ્તાહે, મ્યાનમારની બોર્ડર સોકયોરિટી પોલીસ લગભગ 350 સભ્યો અને પશ્ચિમી રાજ્ય રખાઈનમાં વંશીય લઘુમતી દળો સામે લડતા સૈનિકો બાંગ્લાદેશ નાસી છૂટયા હતા.
પશ્ચિમી રાજ્ય રખાઈનમાં વંશીય લઘુમતી દળો સામે લડતા મ્યાનમારની સરહદ રક્ષક પોલીસ અને સૈનિકોના લગભગ 350 સભ્યો બાંગ્લાદેશમાં ભાગી ગયા હતા.
સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે સશસ્ત્ર જૂથો સામે લડવામાં સૈન્યના હુમલા સફળ નથી થઈ રહ્યા, તેથી અધિકારીઓનું મનોબળ નબળું પડ્યું છે. હવે જુંટાનું કહેવું છે કે નવો સૈન્ય સેવા કાયદો આ લડવૈયાઓ પર સફળતા હાંસલ કરવામાં મદદ કરશે.
ભરતી કાયદા અનુસાર, સિવિલ સેવકો, વિદ્યાર્થીઓને અસ્થાયી મુદ્દત આપી શકાય છે. જ્યારે, ધાર્મિક કાર્યો સાથે જોડાયેલા લોકોને છૂટ મળી શકે છે. સૈન્ય સરકારના પ્રવક્તા મેજર જનરલ જૉ મિન તુનએ કહ્યું છે કે રાષ્ટ્રીય સુરક્ષા દરેકે દરેકની જવાબદારી છે એટલે હું તમામને કહેવા માંગુ છું કે દેશના નાગરિકો ગર્વની સાથે સેના સાથે કામ કરે.