મુંબઇ, યામી ગૌતમ ધરની ’આર્ટિકલ ૩૭૦’નું ટ્રેલર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ ૨૩ ફેબ્રુઆરીએ થિયેટરમાં રિલીઝ થવાની છે. ફિલ્મને યામીના હસબન્ડ આદિત્ય ધરે પ્રોડ્યુસ કરી છે અને આદિત્ય જાંભલેએ ડિરેક્ટ કરી છે. તેના મુજબ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવા પાછળની રિયલ સ્ટોરી આ ફિલ્મ દ્વારા દેખાડવામાં આવશે. સાથે જ ફિલ્મને એટલી ઝીણવટપૂર્વક બનાવવામાં આવી છે કે લોકો એને સરળતાથી સમજી શકશે.
સરકારના આ મિશન વિશે આદિત્ય જાંભલેએ કહ્યું કે ‘આ મિશનને છૂપી રીતે શરૂ કરવામાં આવ્યું હતું. સૌથી અગત્યની વાત એ હતી કે એ મિશન દરમ્યાન કોઈ નિર્દોષનું લોહી ન વહે એનું ખાસ યાન રાખવામાં આવ્યું હતું અને એ જ બાબત આ ઑપરેશનને ખૂબ જ ભવ્ય બનાવે છે. આ મિશન સીક્રેટ હોવાથી લોકોને એ વિશે ઘણીબધી માહિતી નથી. અમે આ ફિલ્મ બનાવવા માટે મહિનાઓ સુધી રિસર્ચ કર્યું હતું. ૨૦૧૪થી આ મિશનની શરૂઆત થઈ અને ફાઇનલી ૨૦૧૯માં એ પૂરું થયું હોવાથી આ મિશનમાં ભરપૂર ડ્રામા હતો. અમે સેટ પર લીગલ કન્સલ્ટન્ટ્સના નિયમોને સંબંધિત મદદ લીધી હતી જેથી રિયલ સ્ટોરીથી ભટકી ન જવાય. લોકોને બે કલાકનો સિનેમૅટિક અનુભવ આપવા માટે અમે તમામ સંવેદનશીલ માહિતીઓની સાથે ધ્યાનપૂર્વક આગળ ડગલાં માંડી રહ્યા હતા, જે અમારા માટે મોટો પડકાર હતો. દેશના લોકોને એ જાણવું ખૂબ જરૂરી છે કે આ મિશન કઈ રીતે પાર પડ્યું હતું.’
આ ફિલ્મ બનાવવાની ડિરેક્ટરને ખુશી છે કે તે ૮૦ ટકા માહિતી લોકો સુધી પહોંચાડશે જે પબ્લિક ડમેનમાં નથી. એ વિશે આદિત્ય જાંભલેએ કહ્યું કે ‘બૅકસ્ટોરી વિશે લોકોને જાણકારી જ નથી અને એ જ મુખ્ય વસ્તુ છે જે અમે આ ફિલ્મમાં દેખાડવાના છીએ. એક ફિલ્મમેકર તરીકે મારો ઉદ્દેશ એટલો જ છે કે આ ફિલ્મ જોયા પછી છઠ્ઠા ધોરણમાં ભણતું બાળક પણ સમજાવી શકે કે ૨૦૧૯ની પાંચમી ઑગસ્ટે આટકલ ૩૭૦ કઈ રીતે હટાવવામાં આવ્યો હતો અને તેને એમાં રસ જાગે. ફિલ્મમાં દરેક ઘટના વાસ્તવિક છે અને એને સચોટતાથી દેખાડવામાં આવી છે. આ જ અમારું યેય હતું અને એને મેળવવામાં અમે સફળ થયા છીએ.’