પટણા, બિહાર વિધાનસભામાં નીતિશ કુમારની સરકારના ફ્લોર ટેસ્ટ પહેલા જ રાજદને મોટો ઝટકો લાગ્યો હતે તેજસ્વી યાદવ જૂથના ત્રણ ધારાસભ્યો, એટલે કે આરજેડી ધારાસભ્યો પ્રહલાદ યાદવ, નીલમ દેવી અને ચેતન આનંદે પોતાનું વલણ બદલ્યું છે અને તેજસ્વી યાદવની પાર્ટીથી પોતાને દૂર કરી લીધા છે. વિધાનસભામાં વિશ્વાસ મત પહેલા જ આ ત્રણેય ધારાસભ્યો પોતાની છાવણી છોડીને એનડીએમાં સામેલ થઈ ગયા હતા. જણાવી દઈએ કે, તેજસ્વી યાદવને છોડનારા આ ત્રણ ધારાસભ્યોમાંથી બે બિહારના શક્તિશાળી અને દબંગ પરિવારના છે. નીલમ યાદવ મોકામાના ધારાસભ્ય છે, જેના પતિ અનંત સિંહ છે. અનંત સિંહ મોકામાના ધારાસભ્ય રહી ચૂક્યા છે અને હાલ જેલમાં છે. તેમને બિહારનો રોબિન હૂડ પણ કહેવામાં આવે છે. અનંત સિંહ ભલે જેલમાં હોય, પરંતુ બિહારની રાજનીતિ અને વિસ્તારમાં તેમનો દબદબો ઓછો થતો નથી.
પક્ષ બદલનાર બીજા ધારાસભ્ય પ્રહલાદ યાદવ છે, જે સૂર્યગઢ (લખીસરાય)ના આરજેડી ધારાસભ્ય છે. પ્રહલાદની છબી પણ મજબૂત અને શક્તિશાળી છે. તેઓ ૫ વખત એટલે કે ૧૯૯૫, ૨૦૦૦, ૨૦૦૫, ૨૦૧૫, ૨૦૨૦ ધારાસભ્ય રહી ચૂક્યા છે અને ૨૦૦૦થી સતત આરજેડીની ટિકિટ પર જીતી રહ્યા છે. પ્રહલાદ એ જ જિલ્લામાંથી આરજેડી ધારાસભ્ય પણ છે જ્યાંથી બિહારના ડેપ્યુટી સીએમ વિજય સિંહા આવે છે.
આરજેડી છોડીને પલટી મારવાવાળા ત્રીજા ધારાસભ્ય ચેતન આનંદ છે, જે પૂર્વ સાંસદ આનંદ મોહનના પુત્ર છે અને બિહારની શિયોહર સીટના આરજેડી ધારાસભ્ય છે. તેજસ્વી યાદવના ઘરેથી નીકળતા પહેલા ચેતન તેમના પિતા આનંદ મોહન સાથે સીએમ નીતિશ કુમારના ઘરે તેમને મળવા પહોંચ્યા હતા. આનંદ મોહન અને ચેતન આનંદની નીતિશ કુમાર સાથેની બેઠક પરથી સ્પષ્ટ થઈ ગયું હતું કે, ચેતન આનંદ પલટી મારશે. આનંદ મોહન થોડા મહિના પહેલા જ જેલમાંથી છૂટ્યા હતા. આનંદ મોહનને ૯૦ના દાયકામાં બિહારના દબંગ અને બાહુબલી તરીકે ગણવામાં આવતા હતા.
વિધાનસભામાં પોતાના સંબોધન દરમિયાન તેજસ્વી યાદવે આ ત્રણ બળવાખોર ધારાસભ્યોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેજસ્વી યાદવે કહ્યું કે, નીલમ જી, અમે તમારા દ્વારા લીધેલા નિર્ણયનું સ્વાગત કરીએ છીએ. તમે એક સ્ત્રી છો, તેથી અમને કંઈ કહેવું ગમશે નહીં. ચેતન આનંદનો ઉલ્લેખ કરતાં તેજસ્વી યાદવે કહ્યું કે, નાના ભાઈ ચેતન એ જ હતા જેમને મેં ટિકિટ આપી હતી. મેં તેને ટિકિટ આપી હતી, તેના પિતાના નામે નહીં. કોઈ મજબૂરી રહી હશે જેના વિશે હું અહીં વાત કરવા માંગતો નથી. પ્રહલાદ યાદવનો ઉલ્લેખ કરતાં તેજસ્વી યાદવે કહ્યું કે, તમારો આભાર કે તમે આટલા દિવસો સુધી અમારી પાર્ટીનો ઝંડો ઊંચો રાખ્યો છે.