વારાણસી, ઉત્તર પ્રદેશમાં વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદના દક્ષિણી ભોંયરામાં હિંદુ પક્ષને પૂજા કરવા માટે જિલ્લા ન્યાયાધીશ દ્વારા પરવાનગી આપવાના કેસમાં આજે અલ્હાબાદ હાઈકોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન, જિલ્લા ન્યાયાધીશ વારાણસી દ્વારા ૩૧ જાન્યુઆરીએ હિન્દુ પક્ષને પૂજા કરવાની મંજૂરી આપવાના નિર્ણય પર રોક લગાવવાની માંગ કરવામાં આવી છે. આ સાથે ભોંયરામાં પૂજાની પરવાનગી પર પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરવામાં આવી હતી. આ કેસની સુનાવણી જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલની સિંગલ બેંચમાં થઈ હતી.
વારાણસી કોર્ટના આદેશ સામે અપીલ કરનાર અંજુમન ઈન્તેજામિયા મસ્જિદ કમિટીના વકીલો એસએફએ નકવી અને પુનિત ગુપ્તાની દલીલો સાંભળ્યા બાદ નકવીની વિનંતી પર જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલે સુનાવણી મોકૂફ રાખવાનો આદેશ આપ્યો હતો. અંજુમન ઈન્તેજામિયા તરફથી હાજર રહેલા એફએફએ નકવીએ દલીલ કરી હતી કે વિવાદિત મિલક્ત પર વાદી (વ્યાસ પરિવાર)નો અધિકાર નક્કી કરવામાં આવ્યો નથી અને આમ વાદીનો હક નક્કી કર્યા વિના પૂજાની મંજૂરી આપતો હુકમ ગેરકાયદેસર છે.
સોમવારે, મુસ્લિમ પક્ષે કોર્ટના આદેશોની પ્રમાણિત નકલો પણ ફાઇલ કરી હતી જે અગાઉ ફાઇલ કરવામાં આવી ન હતી અને આ નકલો રેકોર્ડ પર મૂકવામાં આવી હતી. હિન્દુ પક્ષ દ્વારા વિવાદિત મિલક્તનો કબજો દર્શાવતા કેટલાક પરિપત્રો હિન્દુ પક્ષ દ્વારા દાખલ કરવામાં આવ્યા હતા. ૩૧ જાન્યુઆરીએ આપેલા પોતાના આદેશમાં વારાણસી કોર્ટે હિન્દુ શ્રદ્ધાળુઓને જ્ઞાનવાપી સંકુલમાં સ્થિત વ્યાસજીના ભોંયરામાં પ્રાર્થના કરવાની પરવાનગી આપી હતી.