અમદાવાદ, ખેડૂતો હવે પોતાની માંગ પૂરી કરાવવા માટે સરકાર સામે આર-પારની લડાઈના મૂડમાં છે. સંયુક્ત ક્સિાન મોરચા અને ક્સિાન મજદૂર મોરચા સહિત ૨૬ ખેડૂત સંગઠનોએ ૧૩ ફેબ્રુઆરીના રોજ દિલ્હી કૂચ કરવાના એલાન બાદ હવે ૧૬ ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન કર્યું છે. બીજી તરફ હરિયાણા સરકારે ખેડૂતોને રોકવા માટે પોતાની તમામ તાકાત લગાવી દીધી છે. પંજાબ અને હરિયાણા બોર્ડર સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવી છે. આ સાથે જ મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ ખેડૂતોનો વિરોધ જોવા મળશે. ગુજરાતના ખેડૂતો દિલ્હી નહિ જાય, પરંતું અહી જ દેખાવો કરીને વિરોધ દર્શાવશે.
આવતીકાલે ૧૩ ફેબ્રુઆરીએ દેશભરના ખેડૂતોએ ૨૦ હજાર ટ્રેક્ટર સાથે સંસદ ઘેરવાનું આયોજન કર્યું છે. ત્યારે ગુજરાતમાં પણ આ આંદોલનનો સળવળાટ જોવા મળ્યો છે. સંયુક્ત ક્સિાન મોરચાના આદેશને પગલે ગુજરાતના ખેડૂતો દિલ્હી નહિ જાય, પરંતુ ગુજરાતમાં જ વિવિધ સ્થળોએ રસ્તા રોકો આંદોલન કરીને વિરોધ પ્રદર્શન કરશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના ખેડૂતો દિલ્હી નહિ જાય, પરંતું વિવિધ પડતર માંગણીઓને લઈને રસ્તા પર નીકળશે. સંયુક્ત ક્સિાન મોરચાએ દિલ્હી આસપાસના રાજ્યોના ખેડૂતોને સંસદ માર્ચમાં ભાગ લેવા અપીલ કરી છે.
ખેડૂત નેતા ડાહ્યાભાઈ પટેલે માહિતી આપી કે, ૧૬ ફેબ્રુઆરીએ જિલ્લા તાલુકા મથકોએ ખેડૂતો રસ્તા રોકો આંદોલન કરશે. આ રીતે ખેડૂતો પોતાનો વિરોધ વ્યક્ત કરશે. ખેડૂતો સાથે કેન્દ્ર સરકારે અન્યાય કર્યો છે. તેથી આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ખેડૂતોને સાથ આપવા માટે નાના કારખાનાથી લઈને ઉદ્યોગોએ એક દિવસ બંધ પાળવા નક્કી કર્યું છે. આ ઉપરાંત ગામડાઓમાં પણ બંધનુ એલાન અપાયુંં છે.